ગૃહમંત્રી સમક્ષ ફરિયાદોનો ઢગલો, અધિકારીઓના કલાસ લેવાયા
શહેરના અલગ અલગ પોલીસ મથકમાંથી રજૂઆત માટે આવેલા 64થી વધુ અરજદારોને ત્રણ કલાક હર્ષ સંઘવીએ રૂબરૂ સાંભળ્યા
કોઈએ સ્થાનિક પોલીસની કામગીરીને બિરદાવી તો કેટલાક અરજદારોએ પોલીસ કામગીરીથી નારાજગી વ્યકત કરી, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફરિયાદોનો નિકાલ કરવા આદેશ
રાજકોટ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રીનો લોક દરબાર યોજાયો હતો. રાજકોટ શહેરનાં વિવિધ અરજદારોને પોલીસ બાબતની રજૂઆત ફરિયાદ અને કામગીરી બાબતના પ્રશ્ર્નોને લઈને 64થી વધુ અરજદારોને પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ કમિશ્નરની ચેમ્બરમાં એક પછી એક અરજદારોને બોલાવી તેમને સાંભળ્યા હતાં અને અરજદારોની રજૂઆત અને ફરિયાદો બાબતે અધિકારીઓના કલાસ પણ લીધા હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના લોક દરબારમાં ફરિયાદોનો ઢગલો જોવા મળ્યો હતો. રાજકોટ શહેરનાં 64થી વધુ અરજદારો કે જેમણે હર્ષ સંઘવીએ ત્રણ કલાક સુધી સાંભળ્યા એ ઉપરાંતના અરજદારો અને જાગૃત નાગરિકો પોતાની રજૂઆતો લઈને પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા હતાં. પરંતુ પ્રોટોકોલ મુજબ નિયત સંખ્યામાં નક્કી કરેલા અરજદારોને જ સાંભળવામાં આવ્યા હતાં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ શહેરના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારમાં રહેતાં અરજદારોએ રજૂઆતો કરી હતી. કોઈએ સ્થાનિક પોલીસની કામગીરીને બિરદાવી હતી અને પોલીસનો આભાર વ્યકત કર્યો હતો તો કેટલાક અરજદારોએ સ્થાનિક પોલીસ અધિકારીઓની કામગીરીથી નારાજ થઈને ગૃહ મંત્રી સમક્ષ ફરિયાદો કરી પોતાની નારાજગી વ્યકત કરી હતી. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશ્નર સહિતના જવાબદાર અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. એક સાથે અરજદારો અને ફરિયાદોનો ઢગલો થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રજૂઆતો અને ફરિયાદોને લઈને પોલીસ અધિકારીઓના કલાસ લીધા હતાં.
શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈશ્ર્નવ સહિતનું પ્રતિનિધિ મંડળ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળવા આવ્યું હતું. રાજકોટમાં ગૃહમંત્રીના આગમન પૂર્વે ઉદ્યોગકારોના પ્રશ્ર્નોને લઈને ગૃહ મંત્રી સાથે ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ખુબ ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને જે ઉદ્યોગકારો છેતરપીંડીનો કે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે તેમને પુરાવા સાથે ઉપસ્થિત રહેવાનું શકય ન હોય જેથી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રતિનિધિ મંડળે ગૃહ રાજ્યમંત્રીને મળી તેમનો સમય માંગ્યો હતો કે જ્યારે પુરાવા સાથે રાજકોટનાં ઉદ્યોગકારો અને નાના વેપારીઓ કે જેઓ કોઈ રીતે ગુનાનો ભોગ બન્યા છે તેઓ રજૂઆત કરી શકે. ગૃહ રાજ્યમંત્રીએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને સાંભળી આગામી દિવસોમાં તેમને ગાંધીનગર રૂબરૂ મળવા માટેની વાતચીત કરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સાથે અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગળીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ સાથે રાજકોટ શહેરનાં ચારેય ઝોનના એસીપી ઉપરાંત શહેરનાં 15 પોલીસ મથકના પીઆઈ તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને અન્ય બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટરો ગૃહ રાજ્યમંત્રીના લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતાં. 64થી વધુ અરજદારોને પોલીસ કમિશ્નર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે બોલાવવામાં આવ્યા હતાં અને તેમની ફરિયાદો, રજૂઆતો અને નારાજગી અંગેની માહિતી એકત્ર કર્યા બાદ જે તે પોલીસ મથકના પીઆઈ સાથે તેમની વાતચીત કરાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ કમિશ્નરની ચેમ્બરમાં ગૃહ રાજ્યમંત્રીએ અરજદારોને સાંભળ્યા હતાં. અને સ્થાનિક પોલીસની કામગીરી સામેની ફરિયાદોને લઈને અરજદારોની હાજરીમાં જ પોલીસ અધિકારીઓના કલાસ પણ લીધા હતાં.
ભાઈના હત્યારાઓને 24 કલાકમાં પકડી પાડવા બદલ પોલીસનો આભાર વ્યકત કર્યો
શહેરના ગુંદાવાળીમાં રહેતાં બરકતઅલી ગુલાબહુશેન લાખાણી (ઉ.70)ની તેના જ ઘરમાં ગળુ કાંપીને હત્યા કરી લુંટ ચલાવવામાં આવી હોય આ મામલે પોલીસે ગુનો નોંધીને 24 કલાકમાં આ હત્યા અને લુંટનો ભેદ ઉકેલી આરોપી કિશન વાઢેર અને સ્નેહબા ગોહિલની ધરપકડ કરી હતી. પોલીસની આ કામગીરીને મૃતક બરકતભાઈ લાખાણીના નાનાભાઈ રમઝાનભાઈ લાખાણીએ બિરદાવી હતી અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને પોલીસની કામગીરીની સરાહના કરીને આ કામગીરી બાબતે ગૃહ રાજ્યમંત્રી તેમજ પોલીસ કમિશ્નર અને પોલીસનું આભાર વ્યકત કર્યો હતો.
સાસરિયા પાસેથી 50 તોલા સોનું પોલીસ પરત અપાવતી નથી: હિનાબેન
રાજકોટમાં રહેતાં હિનાબેન આહીર તેમના એડવોકેટ કોમલબેન દેવમુરારી સાથે ગૃહ મંત્રીનાં લોક દરબારમાં આવ્યા હતાં. હિનાબેને પોલીસની કામગીરી સામે આક્ષેપો કરતાં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી કે તેમના લગ્ન બાદ પતિ સાથે મનમેળ નહીં આવતાં છુટાછેડા લીધા છે. સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ અને દહેજ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી છે અને સાસરીયાઓેએ તેમનું શ્રીમંતનું 50 તોલા સોનાના દાગીના પરત આપ્યા નથી. જે દાગીના પરત અપાવવા માટે મહિલા પોલીસ સ્ટેશન અને ગુંદાવાળી પોલીસ ચોકીમાં છેલ્લા ઘણા વખતથી રજૂઆત કરી છે અને આ મામલે હજુ સુધી મહિલા પોલીસે કે ગુંદાવાળી પોલીસે તેમના પરિવાર દ્વારા શ્રીમંતમાં આપવામાં આવેલા 50 તોલા દાગીના પરત અપાવવામાં તસ્દી લીધી નથી અને પોલીસ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે આ રજૂઆત સાંભળી ગૃહમંત્રીએ પોલીસ કમિશનરને જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને તાત્કાલીક એકશન લેવા સુચના આપી હતી.
મહિલાના પતિને હત્યાના ગુનામાં ખોટી રીતે સંડોવ્યાની રજૂઆત, નાર્કો ટેસ્ટ માટે આદેશ
ગૃહ રાજ્યમંત્રીનાં લોક દરબારમાં રજૂઆત માટે એક મુસ્લિમ પરિવાર મળ્યો હતો. રામનાથપરામાં રહેતા નુરમોહમદ હોથી અને તેમના પત્ની તથા પુત્રવધૂ અને બે નાના બાળકો સાથે ગૃહમંત્રીને મળ્યા હતાં. નૂરમોહમદભાઈનો પુત્ર નિઝામ હોથી કે જે હત્યાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે રાજકોટની ભાગોળે મહિકા ગામ પાસે રાહુલ ગોહિલ નામના યુવકની હત્યામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં નિઝામુદીનનું નામ આપવામાં આવ્યુ હતું. પરિવારે ગૃહમંત્રીને રજૂઆત કરી કે તેમનો પુત્ર નિઝામ બનાવના દિવસે ગોંડલ નજીક રીબડા ગામે જમીન જોવા ગયો હતો અને ખોટી રીતે પોલીસે તેની ધરપકડ કરી અને જેલમાં ધકેલી દીધો છે. આ બાબતે નાર્કોટેસ્ટ માટેની નિઝામના પરિવારની રજૂઆતને ધ્યાને લઈ ગૃહમંત્રીએ આ મામલે જેલમાં રહેલા નિઝામનો નાર્કોટેસ્ટ કરાવવા આદેશ કર્યો હતો...
ભત્રીજાએ મકાન પચાવી પાડતાં પોલીસે 15 દિવસમાં કાર્યવાહી કરી તે સરાહનીય
ગૃહ રાજ્યમંત્રીના લોક દરબારમાં પોલીસની કામગીરી અંગેની નારાજગી તો વ્યકત કરવામાં આવી હતી પરંતુ કામગીરીની સરાહના પણ થઈ હતી. આવા જ એક અરજદાર છોટુનગરમાં રહેતા જયોતીબેન રમેશભાઈ દવે કે જેઓના પતિ રમેશભાઈનું અલસાન થયું હોય અને એક માત્ર પુત્રી સાસરે હોય તેમના છોટુનગરના મકાન ઉપર ભત્રીજા પાર્થ દવેએ કબજો કર્યો હતો. સિનિયર સીટીઝન વૃધ્ધા જયોતીબેને આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી હોય જે અંગેની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને 15 દિવસમાં જ પાર્થ દવે વિરૂધ્ધ કાર્યવાહી કરી જયોતીબેનને તેમનું મકાન પરત અપાવ્યું હતું. જેથી ગાંધીગ્રામ પોલીસની આ કામગીરીને બિરદાવી જયોતીબેને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નર તથા ગાંધીગ્રામ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
NRIના મકાન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા હુકમ
મુળ રાજકોટનાં અને હાલ લંડન રહેતા એનઆરઆઈ બાબુભાઈ નારણદાસ ગઢીયા કે જેઓ વયોવૃધ્ધ છે અને છેલ્લા છ મહિનાથી રાજકોટમાં હોટલમાં રૂમ ભાડે રાખી પોતાનું મકાન પચાવી પાડનાર સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદની રાહ જુએ છે. ગૃહમંત્રી પાસે રજૂઆત કરવા ગયેલા સિનિયર સિટીઝન બાબુભાઈ ગઢીયાએ પોલીસની કામગીરીને લઈને નારાજગી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, શહેરનાં જલારામ સોસાયટીમાં આવેલા કિર્તીનગરમાં શ્રીશક્તિ-11માં તેમનું વડીલો પાર્જિત મકાન આવેલું છે આ મકાન ઉપર નિમિષ પ્રવિણ દવે નામના શખ્સે છેલ્લા 20 વર્ષથી કબજો કર્યો છે. લંડન રહેતા બાબુભાઈના મકાન ઉપર કબજો કરનાર નિમિષ દવેને મકાન ખાલી કરવા માટેની વાત કરતાં તેણે સવા કરોડ રૂપિયા આપો તો મકાન ખાલી થાય તેવું જણાવ્યું હોય જે બાબતે એનઆરઆઈ સિનિયર સીટીઝન બાબુભાઈએ સ્થાનિક પોલીસમાં લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરી હોય પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી અને ન્યાયની આશાએ બાબુભાઈ છેલ્લા છ મહિનાથી હોટલમાં રૂમ ભાડે રાખી ન્યાયની આશા સાથે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યાં છે. આ મામલે રજૂઆતને ધ્યાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલીક લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવા પોલીસ અધિકારીને સુચના આપી હતી.
પોલીસ સ્ટેશનમાં જમા મુદ્દામાલ પરત કરવાની પ્રક્રિયા હળવી કરો : રાજુભાઈ વોરા
રાજકોટનાં એક જાગૃત નાગરિક રાજુભાઈ વોરા દ્વારા લોકદરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા ચોરી કે અન્ય કોઈ મામલે જ્યારે ફરિયાદીનો કિંમતી સામાન મુદ્દામાલ સ્વરૂપે જમા લેવામાં આવે છે ત્યારબાદ ગુનાનો નિકાલ થાય અથવા તો ચોરીનો ભેદ ઉકેલાય ત્યારબાદ આ મુદ્દામાલ પરત લેવા માટે અરજદારે સાત કોઠા વિંધવા જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેથી પોલીસ સ્ટેશનમાં જમા મુદ્દામાલ પરત કરવાની પ્રક્રિયામાં સુધારો કરી આ પ્રક્રિયા હળવી કરવા માટેની માંગ કરી હતી. જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ આ મામલે તપાસ કર્યા બાદ મંતવ્યો લઈને આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.