કાલાવડના જાલણસર ગામે સી.સી. રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ
કામ બંધ કરોના નારા સાથે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન
કાલાવડ તાલુકાના જાલણસર ગામે હાલ ચાલી રહેલા આર.સી.સી. રોડના કામ અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામજનોના આક્ષેપ મુજબ રોડના નિર્માણમાં ગુણવત્તાનો જરાય ખ્યાલ રાખવામાં આવતો નથી. રોડમાં કપચી જ કપચી દેખાય છે અને સિમેન્ટનો ઉપયોગ અત્યંત ઓછો કે નહિવત છે. જેના કારણે આ રોડ લાંબા ગાળે ટકી શકશે કે નહીં તે મુદ્દે શંકા ઉભી થઈ છે. સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી.
નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના જવાબદાર અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહ્યો છે. ગામજનોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દાદાગીરીપૂર્વક વર્તન કરે છે અને લોકોની કોઈ ફરિયાદ સાંભળતો નથી.
ગામજનોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ વિકાસના નામે સરકાર ખર્ચ કરતી કરોડોની રકમ ભ્રષ્ટાચારની ભેટ ચડાવી રહ્યા છે. આ રોડ જાલણસરને કાલાવડ, સણોસરા, મોટી વાવડી, જામવાડી સહિતના ગામો સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે, પરંતુ હાલ રોડ બંધ હોવાથી લોકજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળામાં જતા વિદ્યાર્થીઓ, રોજિંદા મુસાફરો અને તાત્કાલિક સારવાર માટે જતા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ એક દર્દીને હૃદયરોગનો એટેક આવતા હોસ્પિટલ પહોંચાડવામાં પણ વિલંબ થયો હતો.
ગામના સરપંચ- ઉપસરપંચ તેમજ આગેવાનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ મુજબ 1. રોડના કામમાં થયેલી ગેરરીતિઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે. 2. ગુણવત્તા સુનિશ્ચિત કરવા સ્વતંત્ર નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામ પૂર્ણ કરાવવામાં આવે. 3. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે. 4. લોકો માટે તાત્કાલિક વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવામાં આવે.
ગામજનોનો ચેતાવણીય સંદેશ છે કે જો તંત્રે તાત્કાલિક પગલાં નહીં લે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. ગામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને બંધ કરો ભાઈ, બંધ કરો આ રોડ બંધ કરો જેવા ગર્જનારા નારા લગાવ્યા હતા.
જાલણસરના લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ રોડનું કામ ભ્રષ્ટાચારની ભેટ ચડી રહ્યું છે અને સરકારનો કરોડોનો ખર્ચ વ્યર્થ જતો રહ્યો છે. તંત્ર મૌન છે, પરંતુ ગ્રામજનો હવે ન્યાય માટે લડત આપવાની તૈયારીમાં છે.