જૂનાગઢમાં મોવિયા આઈસક્રીમમાંથી ગ્રાહકે મગાવેલી કેન્ડીમાંથી ઈયળ નીકળતા ફરિયાદ
જૂનાગઢમાં કુલ્ફીમાંથી ઈયળ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પહેલા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી મોવિયા આઈસ્ક્રીમની દુકાનમાં મોડી રાત્રે વેરાવળના વકીલ રામભાઈ બામણીયા પોતાના પરિવાર સાથે ગરબા પૂરા થતા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. ત્યાં તેમણે મોવિયા આઈસ્ક્રીમમાંથી જામુન ફ્લેવરની મોવિયા કંપનીની કુલ્ફી ખરીદી હતી. કુલ્ફી ખાતા તેમાંથી ઈયળ નીકળી હતી.
કુલ્ફીમાંથી ઈયળને જોતા જ તેઓ ચોકિ ઉઠ્યા હતા. વકીલ રામભાઈ બાંભણિયાએ સ્ટોરના માલિક તેમજ સ્ટોર કીપરને આ અંગે ફરિયાદ કરી હતી. જેથી સ્ટોર કીપર દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમની જ મોવિયા કંપનીની કુલ્ફીમાંથી મૃત ઈયર નીકળતા તેમને ગ્રાહક પાસે માફી માગી હતી. ગ્રાહકે આ બાબતની જાણ મોવિયા કસ્ટમર કેરમાં કરી હતી. ત્યારે કસ્ટમર કેર દ્વારા પણ ગ્રાહક રામભાઈ બાંભણિયાની માફી માગી સ્વીકાર કર્યો હતો કે, તેમની કંપનીની કુલ્ફીમાંથી જીવાત નીકળી હતી. આ બાબતને લઈને રામભાઈ બામણીયાએ ફુડ એન્ડ ડ્રગ વિભાગને પણ ફરિયાદ કરી છે.
આ મામલે ફૂડ વિભાગના અધિકારી એચ.એમ દવે સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતની ફરિયાદ અમને મળી છે અને વહેલી તકે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.