બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર એડવોકેટ દિલીપ પટેલની સનદ રદ કરવા ફરિયાદ
રાજકોટના એડવોકેટ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપ કાનજીભાઈ પટેલની વકીલાતની સનદ રદ્દ કરવા રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી અને સીનીયર એડવોકેટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ફરિયાદ કરાઈ છે. જેમાં અનેક ગેરવર્તણૂક અંગે ઉલ્લેખ કરી રજૂઆત કરી કાર્યવાહી થાય તેવી ફરિયાદ થતા વકીલ આલમમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદ કરનાર પી.સી. વ્યાસ એડવોકેટ અને હાલ રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી પણ છે. તેઓએ ફરિયાદમાં અનેક આક્ષેપો સાથે જણાવ્યું છે કે, એડવોકેટ દિલીપ કે. પટેલ રાજકોટ બારના સભ્ય છે રાજકોટ ખાતે તેઓ વકીલાતની પ્રેકટીસ કરે છે આ દિલીપ કે. પટેલ અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચુક્યા છે ઉપરાંત બી.સી.જી. માં ઘણા વર્ષો સુધી વિવિધ હોદ્દા ભોગવ્યા છે હાલ તેઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એડવોકેટ વેલ્ફેર કમિટીના ચેરમેન છે જેથી તેઓનું વર્તન વકીલ વ્યવસાયની ગરીમાંને જાળવી રાખે તેવું હોવું એ અપેક્ષિત છે.
વધુમાં જણાવ્યુ હતું કે રાજકોટના તત્કાલીન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીની બદલી રાજકોટથી સુરત મુકામે થતા દિલીપ પટેલ દ્વારા રાજકોટ કોર્ટના પટાંગણમાં મીઠાઈ વેચણી કરતા ફોટાઓ અને જજની બદલીના કારણે રાજકોટના વકીલોમાં હર્ષની લાગણી ફેલાઈ છે તેવા ખોટા સમાચાર સોશીયલ મીડિયામાં વાયરલ કર્યા હતા આ જ પ્રકારની કામગીરી જામનગરના એક સ્થાનિક સીનીયર એડવોકેટ દ્વારા પેંડા વેચવામાં આવેલા ત્યારે ડિસ્પ્લીનરી કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં પી.સી.વ્યાસએ જણાવ્યું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દિલીપ કે. પટેલને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યપદેથી હટાવી એડવોકેટ મનોજભાઈ ઉનડકટને તેમના સ્થાને નોમીનેટ કરાવી ઠરાવ કરાવ્યો હતો ઘણા સમયથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ ફરિયાદ ઉપર વિચારણા કરી રહ્યું હતું.
મારા વિરુદ્ધના આક્ષેપો પાયાવિહોણા: દિલીપ પટેલ
આ અંગે એડવોકેટ દિલીપ પટેલનો સંપર્ક કરતાં તેને જણાવ્યું હતું કે મને એક ને જ નહીં પરંતુ અન્ય ચાર લોકોને બાર કાઉન્સિલે નોટીસ આપી છે. જેમાં ગુજરાત બાર કાઉન્સિના અગાઉ હોદેદારો રહી ચુકયા છે. તે પૈકીના ગાંધીનગરના કરણસિંહ વાધેલા, બરોડાના નલીન પટેલ, વલસાડના બી.ડી. પટેલ, સુરતના આર.એન.પટેલ સહિતનાનો સમાવેશ થાય છે. અને મારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે. તે તદન વાહીયાત છે. મારી સહિતના પાંચ વકીલોને નોટીસ આપી તેનો ખુલાસો સ્ટેટ કાઉન્સિલ દ્વારા મંગાયો છે. તેમ અંતે જણાવ્યું છે.
દિલીપ પટેલે ઘણા વકીલોની સનદ રદ કરાવી છે હવે તેનો વારો આવ્યો છે: અર્જુન પટેલ
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એડવોકેટ અર્જુનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગીતાનો એક સિદ્ધાંત છે ‘જેવું કરો તેવું પામો’ દિલીપ પટેલે ઘણા વકીલોની સનદ રદ કરાવી છે. હવે તેનો વારો આવ્યો હોય તેવું લાગે છે. આ દેશમાં કાયદાનું શાસન છે અને કાયદાથી કોઈ મહાન નથી પછી એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ હોય કે કોઈપણ નાગરિક હોય. જો દિલીપ પટેલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે હોય અને એની સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સનદ રદ કરવાની નોટિસ આપી હોય અને વકીલ તરીકે એની સનદ શા માટે રદ ન કરવી એવો ખુલાસો પૂછેલ હોય એ દિલીપ પટેલ અને સમગ્ર વકીલ આલમ માટે ઘણી જ ગંભીર અને શરમજનક બાબત છે. જો દિલીપ પટેલ આ કથિત આક્ષેપોમાં દોષિત હોય તો તેને અવશ્ય સજા કરવી જોઈએ, તેની સનદ રદ કરવી જોઈએ કે કેમ? અથવા તો કેવી સજા કરવી જોઈએ તે નક્કી કરવાનું કામ બારકાઉન્સિલ ઓફ ગુજરાતની ડીસીપ્લેનરી કમિટીનું છે.