જી.જી.હોસ્પિટલમાં હંગામો કરનાર મહિલા સહિત બે સામે ફરિયાદ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ગઈકાલે બપોરે માથાકૂટ થઈ હતી, અને સારવાર અર્થે આવેલી એક મહિલાએ પોતાના સાગરીત ની મદદથી હંગામો મચાવ્યો હતો, અને ફરજ પર હાજર રહેલા એક સિક્યુરિટી ગાર્ડ ઉપર મહિલા અને તેના સાગરીતે લોખંડના કડા વડે હુમલો કરી દઈ માથું ફોડ્યું હતું અને બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે આરોપીઓ સામે સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધ ખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા રઘુવીરસિંહ જેઠુભા ઝાલા (42) કે જેઓ ગઈકાલે ટ્રોમાં વોર્ડમાં પોતાની ફરજ પર હતા, જે દરમિયાન સંગીતા નામની એક મહિલા પોતાના સાગરીત સાથે સારવાર માટે આવી હતી, અને ટ્રોમા વોર્ડમાં બંનેએ હંગામો મચાવ્યો હતો, અને વિનોદરામ દોસાંધ નામની વ્યક્તિ સાથે જીભાજોડી કરી હતી. અને માર માર્યો હતો. જેથી સિક્યુરિટી ગાર્ડ એ આવી ને મધ્યસ્તા કરીને બંનેને મુક્ત કરાવ્યા હતા. દરમિયાન સંગીતા અને તેની સાથેના સાગરીતે લોખંડના કડા વડે સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરી દેતાં માથું ફોડ્યું હતું, જેથી તેઓને માથામાંથી લોહી નીકળી ગયું હતું, અને પ્રાથમિક સારવાર લેવી પડી હતી. જે બનાવની સિક્યુરિટી ગાર્ડ રઘુવીરસિંહ ઝાલા એ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંગીતા અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધવામાં આવી છે, અને બંને આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓ ને શોધી રહી છે.