પત્ની પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની શ્યામ રાજાણી સામે ફરિયાદ
- શ્યામ રાજાણીએ વીડિયો વાઈરલ કર્યા બાદ પત્નીએ પણ સોશિયલ મીડિયામાં આક્ષેપો સાથેનો વીડિયો મુકયો
રાજકોટ શહેરમાં પી.જી.માં રહેતી 26 વર્ષીય પરિણીતાએ તેના પતિ સામે લગ્નજીવન દરમ્યાન અવાર નવાર દુષ્કર્મ અને અકુદરતી શરીર સંબંધ બાંધ્યાની મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.ભોગ બનનાર પરિણીતાએ તેના પતિ વિરુધ્ધ આક્ષેપો સાથેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં મૂક્યો છે.મહિલા પોલીસે આ અંગે ભોગ બનનારની ફરીયાદ પરથી તેના પતિ શ્યામ સામે દુષ્કર્મ,સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ત્રાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી પતિને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ,જૂના માર્કેટીંગ યાર્ડ નજીકના વિસ્તારમાં પી.જી. માં રહેતી 26 વર્ષીય યુવતીએ આશરે ચારેક વર્ષ પહેલાં શ્યામ હેમંતભાઈ રાજાણી(રહે.ગ્રીન એવન્યુ એપાર્ટમેન્ટ,બીજો માળ,કુવાડવા રોડ ડી માર્ટની બાજુમાં શ્રી બંગલોની બાજુમાં)સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.આ ચાર વર્ષના લગ્નજીવન દરમ્યાન શ્યામે તેને હેરાન પરેશાન કરી અસહય ત્રાસ આપ્યો હતો.એટલું જ નહીં પરિણીતાની મરજી વિરુધ્ધ આરોપીએ અવારનવાર તેને એક હોટલ અને ચોટિલા પંથકમાં હવસનો શિકાર બનાવી હતી.જયારે આરોપીએ અકુદરતી શરીર સંબંધ બાંધી ગાળો દઈ મારકૂટ કર્યાનો પણ ફરીયાદમાં આક્ષેપ કરાતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ ભોગ બનનારે તેના પતિ વિરુધ્ધ આક્ષેપો સાથેનો વિડીયો સોશ્યલ મીડિયામાં મૂકયો છે.જેમાં આરોપી અન્ય યુવતી સાથે સંબંધ રાખતો હોવા ઉપરાંત તેના પરિવારજનો બંનેના ધામધૂમથી લગ્ન કરવા ન દેતાં હોવાના આક્ષેપો કર્યા છે.આરોપી શ્યામના ત્રાસથી પત્ની પીજીમાં રહેવા મજબૂર બની હતી.ઉલ્લેખનીય છે કે,આરોપી શ્યામે પણ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઈરલ કર્યો હતો.જેમાં પોતાને ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
કોરોનાકાળમાં શ્યામ બોગસ કોવિડ હોસ્પિટલ શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પકડાયો‘તો
રાજકોટમાં કોરોના કાળમાં દર્દીઓની સારવાર અને દવા માટે અનેક વિભાગો પોતાની અનૈતિક પ્રવૃતિઓ આચરી દર્દીઓ પાસેથી અનેકગણા પૈસા પડાવતા હોવાના ડઝનેક કિસ્સાઓ બહાર આવેલ છે.ત્યારે શ્યામ રાજાણી નામનો શખ્સ પોતે ડોકટર તરીકે 4 વર્ષ અગાઉ કુવાડવા રોડ ઉપર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વગર ચલાવતો હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી.પોતે ખોટા સર્ટિફિકેટ બનાવીને ઓપીડીની પ્રેક્ટિસ પણ કરતો હતો.તેમના પિતા પણ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી ચુક્યા છે.
પત્નીએ કરેલી અરજી મામલે પોલીસે નિવેદન માટે બોલાવી મારમાર્યો : શ્યામ રાજાણી
વિવાદિત શ્યામ રાજાણી વિરૂધ્ધ તેમની પત્નીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધવામાં આવતાં તેમને સકંજામાં લઈ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા શ્યામનો એક વિડિયો વાયરલ થયો હતો તેમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પોલીસે એક અરજી મામલે પોતાને નિવેદન માટે બોલાવી સીપી કચેરીમાં માર માર્યો હતો. આ સમગ્ર આક્ષેપો પાયા વિહોણા હોવાનું પીઆઈએ જણાવ્યું હતું.