કાલાવડના યુવાન પાસે પઠાણી વ્યાજની ઉઘરાણી કરનાર પાંચ સામે ફરિયાદ
કાલાવડમાં રહેતા અને ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરતા યુવાનને ફેબ્રીકેશનના ધંધા માટે રૂપિયાની જરૂર પડતા ચાર વર્ષ પૂર્વે ગામના જ પાંચ શખ્સો પાસેથી રૂા. 4.70 લાખ ઉંચા વ્યાજે લીધા બાદ મોટા ભાગના વ્યાજખોરોને રકમ ચુકવી દીધા છતાં વધુ રૂપિયા પડાવવા માટે આ ટોળકીએ યુવાનને ધમકી આપી ચેક રિટર્ન કરાવતા આ મામલે તેના પિતાએ પોલીસમાં કરેલી અરજી બાદ પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
કાલાવડના બસસ્ટેન્ડ પાસે રહેતા મુળ જામકંડોરણાના જશાપર ગામના અમિત બાબુભાઈ માવાણી ઉ.વ.29ની ફરિયાદના આધારે જામ કંડોરણા પોલીસે જામ કંડોરણાના વિજયભાઈ દેવરાજભાઈ ઘેડ, પીપરડીના જયરાજસિંહ જાડેજા, ભાદરકાના નાકા પાસે ઓફિસ ધરાવતા શક્તિસિંહ, જામ કંડોરણાના મુસ્તાક કડીવાલ અને બોરીયા ગામના જયેશ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.
અમિતભાઈએ ફરિયાદનમાં જણાવ્યા મુજબ તે છેલ્લા એક મહિનાથી વૃજ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. તેને ફેબ્રીકેશનનો ધંધો કરવો હોય જેથી રૂપિયાની જરૂર પડતા વર્ષ 2021માં વિજય દેવરાજ ઘેડ પાસેથી ચાર ટકા લેખે 4 લાખ લીધા હતા જેનું દર મહિને 16 હજાર વ્યાજ ચુકવી 1.60 લાખ ચુકવી દીધેલ છે. ત્યાર બાદ વિજયે રૂા. 6.50 લાખ પડાવવા માટે ધમકી આપી હતી અને દર મહિને 25 હજાર વ્યાજ વસુલવાનું શરૂ કર્યુ હતું. વિજયની રકમ ચુકવવા માટે પીપરડીના જયરાજસિંહ જાડેજા પાસે 10 ટકા લેખે 30 હજાર તેમજ ભાદરકા નાકા પાસે ઓફિસ ધરાવતા શક્તિસિંહ પાસેથી દોઢ વર્ષ પહેલા 15 ટકા વ્યાજે રૂા. 20 હજાર તેમજ મુસ્તાક કડીવાલ પાસેથી 20 ટકા વ્યાજે રૂા. 20 હજાર તેમજ 11 મહિના પહેલા બોરિયા ગામના જયેશ રાઠોડ પાસેથી 10 ટકા વ્યાજે રૂા. 15 હજાર મળી કુલ રૂા. 4.70 લાખ વ્યાજે લીધા હોય જેમાં મોટાભાગની રકમ ચુકવી દીધા છતાં મુળ રકમ અને વ્યાજની માંગણી કરી આ લોકો પઠાણી ઉઘરાણી કરતા હોય અને પરિવારને હેરાન કરતા હોય જેથી અમિતભાઈના પિતા બાબુભાઈ મેઘાભાઈ માવાણીએ આ બાબતે જામ કંડોરણા પોલીસમાં અરજી કરી હોય જેના આધારે પોલીસે આ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.