દ્વારકા જિલ્લામાં ભારતીય સૈન્ય દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં બચાવની સરાહનીય કામગીરી
પ્રભારી સચિવ તેમજ કલેક્ટર દ્વારા અતિવૃષ્ટિ અંગે વીડિયો કોન્ફરન્સ સમીક્ષા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સ્થાનિક તંત્ર ઉપરાંત એસ.ડી.આર.એફ., એન. ડી.આર.એફ. ઉપરાંત આર્મી પણ રાહત બચાવની કામગીરીમાં જોડાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જામનગર સૈન્ય મથકના કેપ્ટન વિશાલ ભારતીની આગેવાની હેઠળ ભારતીય સેનાના જવાનોએ ખંભાળિયા ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડીને રાષ્ટ્ર પ્રત્યેની સેનાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વધતા જતા આપત્તિના જોર સાથે બહાદુર સૈનિકોએ તકલીફમાં રહેલા લોકોની સલામતી અને સુખાકારી સાથે રાહત બચાવ કાર્ય માટે નોંધપાત્ર જહેમત કાબિલે દાદ બની રહી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને ઝડપી પવનોની સ્થિતિમાં અનેક નીચાણવાળા ગામો અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાતાં અવરજવર બંધ થયેલ હતી. આ પરિસ્થિતિમાં લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની સાથે સાથે ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકાના બાકોડી અને કેનેડી ગામે અસરગ્રસ્ત લોકોને વહીવટી તંત્ર દ્વારા ગામ લોકો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દ્વારકા તાલુકાના નાગેશ્વર ખાતે તાલુકા પંચાયત સ્ટાફ અને શિક્ષકો દ્વારા ખાદ્યસામગ્રી વિતરણ કરાયું હતું. કલ્યાણપુરના નીચાણવાળા વિસ્તારમાં ગરમ ભોજન અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવ એમ.એ. પંડ્યા તેમજ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જિલ્લામાં રાહત બચાવની કામગીરીની તાલુકા મથકોએથી સંબંધિત અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમિક્ષા કરી હતી.
પ્રભારી સચિવે ગ્રામ પંચાયત તેમજ નગરપાલીકા દ્વારા સફાઈ, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ, શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા, વીજળી પુન: સ્થાપન વધુ સઘન બનાવવા, સિંચાઈ વિભાગ દ્વારા ડેમોની મુલાકાત, સંબંધિત વિભાગો દ્વારા માર્ગોનું સમારકામ, નુકસાન સર્વે વગેરે અંગે જરૂૂરી માર્ગદર્શન આપી તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેક્ટર પંડ્યાએ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ સહાય ચૂકવણીની કામગીરી ઝડપથી આગળ વધારવા સૂચના આપી હતી. ઉપરાંત કેશ ડોલ ચૂકવણી માટેની પૂર્વતૈયારીઓ, વિવિધ વિસ્તારોમાં સ્તરે વીજ પુરવઠાની સ્થિતિની માહિતી મેળવીને સમિક્ષા કરી હતી.
સ્થળાંતરીત કરેલાં લોકોને સત્વરે પુન: સ્થાનાંતરિત કરવા, ઘર વખરીનો સર્વે શરૂૂ કરવા, પાક નુકસાન સર્વે આગળ વધારવા બાબતે સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, ડેપ્યુટી ડી.ડી.ઓ. પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને તાલુકા મથકોએથી સંબંધિત અધિકારીઓ વિડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા.