સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીની તપાસ માટે સમિતિની રચના
ઇજાગ્રસ્ત દર્દી વોર્ડમાં દાખલ કરાયો છતાં સવારે વોર્ડ બહારથી મળી આવ્યાની ઘટનામાં જવાબદારોના નિવેદનો લેવાયા, સાંજે આવશે તપાસ રિપોર્ટ
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ ઇજાગ્રસ્ત દર્દી બીજા દિવસે બહાર લોબીમાંથી અને અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યાની ઘટનાથી ચકચાર જાગી છે. બીજી બાજુ આ ઘટનામાં રાબેતા મુજબ સિવિલ હોસ્પિટલ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કરી દર્દીની ઘટનામાં સંબંધિત ફરજ પરના તબીબો કે નર્સિંગ સ્ટાફની બેદરકારી બહાર આવશે તો કડક પગલા ભરવાનું ડો. હેતલ કયાડા દ્વારા "ગુજરાત મિરર” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ આજે સાંજ સુધીમાં જ પાંચ સભ્યોની નિમેલી તપાસ સમિતિનો રીપોર્ટ આવી જશે અને ઉચિત કાર્યવાહી શરૂ કરાશે તેવું પણ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની વિગતો મુજબ તા. 19 ના રોજ કાલાવડ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા મનોજ ઉધ્ધવ નામના યુવાનને સિવિલના સર્જરીમાં દાખલ કરાયો હતો છતા તા. 20 ના રોજ સવારે, વોર્ડ-10ના રસોડા પાસેની લોબીમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવતા આ બનાવે વધુ એક વખત સિવિલની તબીબી સારવાર વિવાદનાં દાયરામાં આવી ગઇ છે.
આવી સિવિલની ગંભીર બેદરકારીનો સતસ્વીર અહેવાલ ગુજરાત મિરરમાં પ્રસિધ્ધ થયાં બાદ સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતુ થઇ ગયુ છે. અને એક તબકકે કોણ ? કયાં ? ફસાય જાય અને કોણ ? કયાંથી છટકી જાય ? તે અંગેની રાબેતા મુજબની કાર્યવાહી, કામગીરી કરવા તબીબી અધિક્ષકગણની ટીમે વધુ એક વખત પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને તપાસમાં શું બહાર આવશે ? દર્દી જ કસુરવાર નિકળશે કે ફરજ પરના તબીબી સ્ટાફની બેદરકારી બહાર આવશે તે સમય જ બતાવશે.
સર્જરી વોર્ડના સીસી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ
પટાવાળા-સ્ટાફના નિવેદનો લેવાયા
અર્ધનગ્ન હાલતમાં સિવિલની લોબીાંથી મળી આવેલા ઇજાગ્રસ્ત મનોજ ઉધ્ધવની ઘટનામાં ખરેખર હકિકત શું છે ? તે વાતનો જવાબ આપતા ડો. હેતલ કયાડાએ જણાવ્યુ હતું કે પાંચ સભ્યોની તપાસ કમિટી બનાવી, ફરજ પરના સ્ટાફ, હેલ્પ ડેસ્ક સ્ટાફના નિવેદનો લઇ, સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે. આજે સાંજ સુધીમાં તપાસ સમિતિનો રીપોર્ટ આવ્યે બનાવની વાસ્તવિકતા બહાર આવશે.