મેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના
આરોગ્ય વિભાગે ડીનનો ખૂલાસો પૂછતા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું તંત્ર ઘુણ્યુ, ડીને તાબડતોબ બેઠક યોજી પાંચ સિનિયર તબીબોની તપાસ કમિટી બનાવી
રેડિયોલોજી વિભાગના 11, ઓર્થોપેડિકસના ત્રણ, પેથોલોજી સર્જરી વિભાગના બે-બે સહિત 19 તબીબો સામે તપાસ
રાજકોટ મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો માત્ર કાગળ ઉપર નોકરી કરી લાખો રૂપિયાનો સરકારી પગાર ઓહિયા કરી જતા હોવાનો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી ધીકતી કમાણી કરી રહ્યાનો સ્ફોટક અહેવાલ ગઇકાલ તા.17 એપ્રીલ 2025ના અંકમાં ‘ગુજરાત મિરર’ પ્રસિદ્ધ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું સમગ્રતંત્ર દોડતુ થઇ ગયુ છે. અને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ એકશનમાં આવ્યું છે અને આ સમગ્ર મામલે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો. ભારતીબેન પટેલ પાસેથી રીપોર્ટ માંગવામાં આવ્યો છે.
બીજી તરફ. ગઇકાલે સાંજે ‘ગુજરાત મિરર’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે સવારે ઇન્ચાર્જ ડીને આવજે તાકીદની બેઠક યોજી પાંચ સિનિયર તબીબોની તપાસ સમિતિની રચના કરી તાકીદે રિપોર્ટ મંગાવ્યો છે.
ડો.ભારતીબેન પટેલે જણાવ્યુ હતુ કે, મીડિયાના અહેવાલ બાદ મેડિકલ કોલેજના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટીસ કરતા હોવાનું એકલિસ્વટ અને ફરિયાદ અમને પણ મળ્યા છે.
આ બાબત ગંભરી છે. અમે આજુે જ પાંચ તબીબોની તપાસ ટીમની રચના કરી છે.
મેડિકલ કોલેજના તબીબો ફરજ દરમિયાન પણ ખાનગી હોસ્પિટલોમાં પ્રકટીસ કરતા હોવાની બાબત પ્રસિદ્ધ થતા આરોગ્ય વિભાગ પણ એકશનમાં આવ્યુ છે. ગઇકાલે આરોગ્યમંત્રી દિલ્હી ગયા હોવા છતા તેમણે આ બાબતની તપાસ કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપતા જવાબદાર અધિકારીઓએ તાબડતોબ મેડિકલ કોલેજના ડીન પાસે ખૂલાસો માંગ્યો છે અને વહેલામાં વહેલી તકે આ અંગે તપાસ કરી રિપોર્ટ પણ મંગાવ્યા છે.
મેડિકલ કોલેજના કુલ 19 ગુટલીબાજ તબીબોને નોટિસ આપી ખૂલાસા પૂછવામાં આવ્ય છે. જેમાં ઓર્થોપેડિક વિભાગના 3, રેડિયોલોજી વિભાગના 11, પેથોલોજી વિભાગના 2, સર્જરી વિભાગના 2 અને મેડિસિન વિભાગના 1 ડોક્ટરનો સમાવેશ થાય છે.
સરકારી તબીબોનું ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવા માટે ‘ડમી’નામનું કૌભાંડ
રાજકોટની મેડિકલ કોલેજમાં લાખો રૂપિયાના સરકારી પગાર હજમ કરી જઇ ચાલુ ફરજે ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ કરીને ધિકતી કમાણી કરતા 19 તબીબો સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ તબીબો પકડાઇ જાય નહીં તે માટે ખાનગી હોસ્પિટલોમાં ડમી નામે પ્રેકટીસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ સરકારી હોસ્પિટલ કે, મેડિકલ કોલેજમાં નોકરી કરતા હોય તો ખાનગી પ્રેકટીસ કરી શકાતી નથી, પરિણામે રાજકોટની મેડિકલ કોલેજના ડોક્ટરો પત્ની, ભાઇ, સાળા, સાઢુભાઇ, સાળી કે અન્ય સગાસંબંધીઓના ડમી નામથી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રેકટીસ કરતા હોવાનુ બહાર આવેલ છે. ત્યારે જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડમી નામથી પ્રેકટીસ ચાલે છે તેના હિસાબ-કિતાબ ચેક કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. કેમ કે, જે ડમી નામોથી મેડિકલ કોલેજના તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ કરે છે. તે ડમી નામવાળા લોકો પાસે કોઇ ડિગ્રી જ નથી. છતા ખાનગી હોસ્પિટલો તેના નામે ચાર્જ વસુલી અને ચૂકવી રહી છે.