For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લ્યો બોલો...સુરેન્દ્રનગરમાંથી હરતું-ફરતું પેટ્રોલપંપ ઝડપાયું

11:36 AM Nov 27, 2025 IST | Bhumika
લ્યો બોલો   સુરેન્દ્રનગરમાંથી હરતું ફરતું પેટ્રોલપંપ ઝડપાયું

હરતું-ફરતું દવાખાનું ચાલતુ હોય તેવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ હરતો-ફરતો પેટ્રોલ પંપ ચાલતો હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવી જ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. જ્યાં SOGએ હરતો-ફરતો પેટ્રોલ પંપ ઝડપી લીધો છે. આરોપીઓએ પેટ્રોલ પંપમાં આવતા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી લેતા હતા. જે બાદ મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી અલગ-અલગ સ્થળે ઓછા ભાવે વેચી નાખતા હતા.
આ અગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ તરફ પાંચ કિમી દૂર મંગળુ કાઠીની શિવ લહેરી હોટલ પર એનો દિકરો લાલો પેટ્રોલ પમ્પ પર આવતા ડીઝલ અને પેટ્રોલના ટાંકામાંથી 50-50 લીટર ડીઝલ કે પેટ્રોલ નળી વડે કાઢી કેરબા ભરી પોતાના વાહનમાં ભરી દેતો હતો. જે બાદ ફ્યુલ પંપ ફિટ કરેલા મિની ટેમ્પોમાં ભરી ડીઝલ અને પેટ્રોલ અન્ય વાહન ચાલકોને 15-20 રૂૂ. ના ઓછા ભાવે વેચતો હતો.

Advertisement

SOG સ્ટાફ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે, રાત્રિના સમયે ચોટીલા હાઈવે પર આવેલી શિવલહેરી હોટલના ગ્રાઉન્ડમાં નવી બનતી હોટલ પાસે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થઈ રહ્યું છે.આ બાતમી મુજબ, ચોટીલાના ખેરડીના લાલા મંગળુ કાઠી દરબાર આ ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા અને તેની દેખરેખ માટે પપ્પુ નામના ચોકીદારને રાખ્યો હતો. તેઓ પંપમાં આવતા ટાંકામાંથી ઇલેક્ટ્રિક મોટર અને નળી વડે પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા હતા. ત્યારબાદ, આ પેટ્રોલ-ડીઝલ પોતાના કબજા ભોગવટાના વાહનમાં ફ્યુલ પંપ ફીટ કરીને વેચાણ કરતા હતા.આ હકીકતના આધારે, SOG ટીમે તપાસ કરતા, ફ્યુલ પંપ ફીટ કરેલી ટાટા 407 કિંમત રૂૂ. 3,00,000, જેમાં 100 લીટર ડીઝલ મળી આવ્યું હતું.

આ ઉપરાંત, યુટિલિટી કિંમત રૂૂ. 1,50,000 અને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલું 60 લીટર ડીઝલ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂૂ. 4,66,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી લાલો કાઠી અને ચોકીદાર પપ્પુ પોલીસને જોઈને અંધારામાં નાસી છૂટ્યા હતા. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement