માખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ
વિલનું પ્રોબેટ અદાલતમાંથી મેળવેલ ન હોય તો પણ રેવન્યુ રેકર્ડ વીલના આધારે જમીનની નોંધ થઈ શકે
લોધીકા તાલુકાના ગામ માખાવડના રહેવાસી મુળ ખેડૂત મોહનભાઈ અરજણભાઈ વેકરિયા માખાવડ ગામે ખેતીની જમીનો ધારણકર્તા હતા. તેમના સંતાનોમાં ત્રણ દિકરા અને ચાર દિકરીઓ (સાસરે) હોય, મોહનભાઈએ તેની ખેતીની વારસાઈ જમીન તેના બે દિકરા કલાભાઈ મોહનભાઈ વેકરીયા અને કિશોરભાઈ મોહનભાઈ વેકરીયાને તેની હયાતીમાં ખેતીની જમીનની વહેચણી કરી દીધેલી.
જેમાંથી દિકરીઓએ ભાગ જતો કરેલો. જેથી રેવન્યુ રેકર્ડે તે જમીન કલાભાઈ અને કિશોરભાઈના નામે અને ખાતે થઈ ગઈ હતી. દરમિયાન ત્રીજા દિકરા ગોવિંદભાઈ જેઓ મુંગા અને બહેરા હતા અને તેઓને કોઈ સંતાન ન હતા. ગોવિંદભાઈ મોહનભાઈએ તેની સ્વપાર્જિત મુડીમાંથી લોધીકા તાલુકાના ગામ માખાવડના રે.સ.નં. 56 પૈકી 2 જમીન એ. 8-00 ગુંઠા વેચાણ દસ્તાવેજ નં. 20 તા. 26/ 03/ 1973 થી ખરીદ કરી હતી અને રેવન્યુ રેકર્ડે આ મિલ્કત વેચાણથી તેના નામે દાખલ થયેલી. આ મિલ્કતનું ગોવિંદભાઈએ તેમની હયાતીમાં રજિસ્ટર વિલ નં. 10403 તા. 01/ 10/ 2007ના રોજ કિશોરભાઈ મોહનભાઈની તરફેણમાં કરેલુ અને વિલથી સ્વતંત્ર માલીકી હક્કથી આ મિલ્કત કિશોરભાઈને આપેલી.
ત્યાર બાદ ગોવિંદભાઈનું તા. 12/ 05/ 2025ના રોજ અવસાન થતાં રજિસ્ટર વિલના આધારે કિશોરભાઈએ આ જમીન તેના નામે દાખલ કરવા માટે અરજી કરતાં હક્કપત્રકે નોંધ નં. 4303 તા.26/ 06/ 2025ના રોજ દાખલ થયેલી. જેની સામે કિશોરભાઈના ભાઇ કલાભાઈ અને તેની બહેનો કાંતાબેન રામાણી અને દુધીબેન શીંગાળાએ વાંધો લીધેલો અને બાકી બે બહેનો સવિતાબેન અને ચતુરાબેને કોઈ તકરાર ઉઠાવેલી નહી. આમ આ નોંધ સામે વાંધા આવતાં નાયબ કલેકટર, રાજકોટ (ગ્રામ્ય) પ્રાંત વિમલકિર્તી ચક્રવર્તી સમક્ષ તકરારી કેસ નં. 36/2025 ઉપસ્થિત થયો હતો.
જેથી વિલ જેમની તરફેણમાં થયેલ તે કિશોરભાઈ મોહનભાઈના એડવોકેટ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અર્જુન પટેલ તથા હિમાંશુ શીશાંગીયાએ એવી દલીલ કરેલ કે હાલનું વિલ રજિસ્ટર વિલ છે અને વિલ કરનાર આ મિલ્કતના સ્વતંત્ર અને સુવાંગ માલીક છે. ત્યારે વિલ ખરૂૂં છે કે ખોટું વિલ કરનારને વિલ કરવાની સત્તા છે કે કેમ? તેવી કોઈ તકરારો નોંધ પાડતી વખતે જોઈ શકાય નહીં. કોઈ પણ 2જિસ્ટર વિલનું પ્રોબેટ લેવાની ભારતના માત્ર ચાર મુખ્ય શહેરોમાં જ જરૂૂરીયાત છે, તેમજ નાયબ કલેકટરનું ઘ્યાન દોરેલ કે વાંધેદારોએ જે તકરાર ઉપસ્થિત કરેલ છે તે તકરાર નિર્ણિત કરવાની સત્તા સિવિલ કોર્ટને છે.
રેવન્યુ ઓથોરિટી આવી તકરારો નિર્ણિત કરી શકે નહી. ત્યારે આવી નોંધ પ્રમાણિત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહી. અર્જુન પટેલ એડવોકેટની આ દલીલો ગ્રાહય રાખી રજિસ્ટર વિલના આધારે માખાવડ ગામના હક્કપત્રકે દાખલ થયેલ નોંધ નં. 4303 મંજુર કરવાનો ઔતિહાસિક ચુકાદો નાયબ કલેકટર, રાજકોટએ આપ્યો છે. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ તરીકે ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, હિમાંશુ શિશાંગીયા, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ, જાનવી વિરાણી રોકાયા હતા.
