શિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠક
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુસર હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યાર બાદ ભવનાથ તળેટી ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, રસ્તા, સફાઈ અને પાયાની સુવિધાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી હોવાથી ખાસ કરીને બાથરૂૂમ અને યુરિનલની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે એક મોટો પડકાર હોય છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, કલેક્ટરે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકોને તેમના ટોયલેટ અને યુરિનલ શ્રદ્ધાળુઓના ઉપયોગ માટે ખુલ્લા રાખવા અપીલ કરી હતી. હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ આ અપીલને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે તેમના ટોયલેટ-બાથરૂૂમની સુવિધા આપવા માટે સહમતિ દર્શાવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આ માનવીય અભિગમ બદલ હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોનો આભાર પણ માન્યો હતો.
હોટેલ સંચાલકો સાથેની બેઠક બાદ કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર અને નાયબ કમિશનર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ સાથે ભવનાથ તળેટી ખાતે જરૂૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને તાત્કાલિક ધોરણે અને અગ્રતાના ધોરણે નીચેની પાયાની સવલતો સુનિશ્ચિત કરવા જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં રસ્તા, સાફ-સફાઈ, પીવાના પાણીની સુવિધા, યુરિનલ, અને ટોયલેટ બ્લોક્સની વ્યવસ્થ કરવી, ભાવિકોને રૂૂટ અને સ્થળોની જાણકારી મળે તે માટે યોગ્ય સ્થળો પર સાઈન બોર્ડ લગાવવા જેવી બાબતોને લઈ સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરે મેળાની તૈયારીઓના ભાગરૂૂપે માત્ર તળેટી જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા ભાવિકો માટે મહત્ત્વના પ્રવેશ દ્વારો સમાન બસ ડેપો અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ સ્થળોએ શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે તેમણે નીચેના દિશાનિર્દેશો આપ્યા હતા કે બસ ડેપો ખાતે શૌચાલયોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું. રેલવે સ્ટેશનની બહારની બાજુ પણ ટોયલેટ બ્લોકની સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું. તેમજ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ભવનાથ જવા-આવવા માટે રીક્ષાના દરો (રેટ) ભાવિકોને સ્પષ્ટ દેખાય તે પ્રકારે ડિસ્પ્લે કરવા. જૂનાગઢમાં આવેલા ફરવાના સ્થળોની જાણકારી મળે અને ભવનાથ રૂૂટ પર યોગ્ય રીતે વિવિધ સ્થળોના સાઈનબોર્ડ લાગે તે માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.