રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશ
લોકમેળા સમિતિની બેઠક યોજી સ્થિતિની કરી સમીક્ષા: સાંજે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક, નકકર પરીણામ નહીં આવે તો વૈકલ્પિક વિચારણા કરવા સૂચના
રાજકોટનાં લોકમેળામા આકરા નિયમો અવરોધ બન્યા છે અને તેના કારણે રાઇડસ સંચાલકોમા નારાજગી પ્રવૃતિ રહી છે. ફોર્મનો ઉપાડ થયો છે પરંતુ ભરાઇને આવ્યા નથી સામે તંત્ર પણ મકકમ હોય તેમ મેળાની અન્ય કામગીરીનાં ટેન્ડર પ્રક્રિયા કરવા કલેકટરે આદેશ આપ્યા છે.
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે વર્ષોથી યોજાતો ભાતીગળ લોકમેળો આ વર્ષે પણ વિવાદો અને અનિશ્ચિતતાના વમળમાં ફસાયો છે. છેલ્લા બે વર્ષથી અમલમાં મુકાયેલા આકરા ન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ ને કારણે રાઈડ્સ સંચાલકોમાં નારાજગી પ્રવર્તી રહી છે, જેના પરિણામે હજુ સુધી એક પણ રાઈડ સંચાલકે મેળા માટે ફોર્મ ઉપાડ્યું નથી કે જમા કરાવ્યું નથી.આજે રાજકોટના કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા લોકમેળા સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ, સીટી પ્રાંત અધિકારી ચાંદની પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં મેળાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને બાકીની કામગીરી ઝડપથી શરૂૂ કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરે આગામી એક-બે દિવસમાં વિવિધ ટેન્ડર પ્રક્રિયાઓ પણ ઝડપીથી હાથ ધરવા આદેશ આપ્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આજે સાંજે રાઈડ્સ સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જો આ બેઠકમાં કોઈ નક્કર પરિણામ નહીં આવે તો મેળાના આકર્ષણો અંગે વૈકલ્પિક વિચારણા કરવામાં આવી છે. આ વિકલ્પો પણ એક-બે દિવસમાં જ અંતિમ કરી દેવામાં આવશે.
કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી SOP માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. જે નિયમો છે તે યથાવત જ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, જો રાઈડ્સ સંચાલકો લોકમેળામાં ભાગ નહીં લે તો અન્ય કાર્યક્રમોના આયોજન અંગે પણ વિચારણા ચાલી રહી છે.
ડો. ઓમ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને રાઈડ્સ સાથે કોઈ લેવાદેવા નથી. લોકમેળામાં અન્ય આકર્ષણો પણ રાખવામાં આવશે, જેના કારણે સામાન્ય જનતા પણ મેળાની મજા માણી શકશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ધંધાર્થી વેપારીઓ પણ મેળામાં સંપૂર્ણ સહયોગ આપશે અને ભાગ લેશે.
આજે સાંજે યોજાનારી રાઈડ્સ સંચાલકો અને કલેક્ટર વચ્ચેની બેઠક પર મંડાયેલી છે. આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને રાજકોટનો પરંપરાગત લોકમેળો તેની જૂની ભવ્યતા સાથે યોજાશે કે પછી વૈકલ્પિક સ્વરૂૂપ ધારણ કરશે તે જોવું રસપ્રદ રહેશે.