ઠંડીનો ચમકારો, 21 જિલ્લામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું
નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે
ગુજરાત રાજ્યભરમાં ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. રાજ્યના કુલ 21 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, કચ્છનું નલિયા 10.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, પરંતુ આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે.
આગામી 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે, જેના કારણે આવતીકાલથી મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું જોર થોડું ઘટશે. આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબનું તાપમાન માઇનસ 5.3 ડિગ્રી અને કેલાંગનું તાપમાન માઇનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજસ્થાનના 12 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7 ડિગ્રી તાપમાન નોંધાતા તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 14.0
ગાંધીનગર 12.2
અમરેલી 11.3
વડોદરા 13.6
ડીસા 13.8
ભુજ 15.0
કંડલા 11.7
રાજકોટ 12.8
કેશોદ 12.9
પોરબંદર 13.1
સુરેન્દ્રનગર 14.8
સુરત 16.4