ડમી શાળા મામલે કોચિંગ ક્લાસ અને સંચાલક મંડળ સામસામે
ખાનગી ટયુશનના કારણે ચોપડા પર શાળાનો વ્યાપ વધ્યો અને શિક્ષણની ગુણવત્તા બગડી હોવાની સંચાલક મંડળની ફરિયાદથી મામલો ગરમાયો
રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસનો વિવાદ વકર્યો છે. ડમી સ્કૂલો અને ટ્યુશનને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા છે. ટ્યુશનને લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું હોવાને લઈને શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. તો બીજી તરફ સંચાલક મંડળની આ હરકતથી ટ્યુશન સંચાલકોના પેટમાં તેલ રેડાયું છે. ડમી સ્કૂલો મામલે અને ટ્યુશન મામલે શાળા સંચાલકો અને ટ્યુશન ક્લાસ સંચાલકો આમને-સામને આવી ગયા છે.
રાજ્યમાં હાલ મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે. અનેક એવા પણ ક્લાસીસ છે જે સ્કૂલોની સાથે મીલીભગતથી ચલાવવામાં આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થી શાળામાં ન જતા સીધો જ ક્લાસમાં જાય છે અને તેની હાજરી સીધી જ સ્કૂલમાં ભરાઈ જાય છે અને તેને કારણે વાલી અને વિદ્યાર્થીઓ એમ બંનેને આર્થિક નુકસાન જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ સારા ટકાના ટેન્શનમાં આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા ખાનગી ટ્યૂશન સામે લાલ આંખ કરવા માટે સંચાલક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
ખાનગી ટ્યૂશનના વધતા જતાં વ્યાપ સામે બદીને દૂર કરવા માટે સંચાલક મંડળ દ્વારા ભલામણો કરવામાં આવી છે. જેમાં બોર્ડની પરીક્ષામાં ગુણના બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવા માટે પણ ભલામણ કરી છે. શાળા સંચાલક મંડળે આક્ષેપ કર્યો છે કે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન ન કરી શકે તેમ છતાં ખાનગી ટ્યુશનનો વ્યાપ વધી રહ્યો છે.હાલ તો આ સમગ્ર મામલે શાળા સંચાલક મહામંડળ અને ટ્યુશન ક્લાસીસ સંચાલકો આમને-સામને આવી ગયા છે ત્યારે રાજ્ય સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.
શાળા જ ખાનગી ટયુશનને પ્રોત્સાહન આપે છે: કલાસીસ સંચાલકો
શાળા સંચાલક મંડળ દ્વારા લખવામાં આવેલ પત્રથી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું કહેવું છે કે ખુદ શાળા જ ખાનગી ટ્યુશનને પ્રોત્સાહન આપી રહી છે. ટ્યુશન ક્લાસ સંચાલકોનું કહેવું છે કે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો વાલી ટ્યુશન રખાવે તેમાં કંઈ ખોટું નથી અને જો આ પ્રકારની માગ કરવામાં આવી છે તો વિદ્યાર્થીને ખુદ શાળા સંચાલકો અભ્યાસથી દૂર રાખી રહ્યા છે. પહેલા તો શાળા સંચાલકોએ તેમની શાળામાં શિક્ષણનું સ્તર સુધારવાની અને શાળા છૂટ્યા બાદ જે ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે તેને ખુદ સંચાલકોએ બંધ કરાવવાની જરૂૂર હોવાનું ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું માનવું છે.
DEO ખાનગી ટ્યુશન પર ખાસ રેડ કરે: સંચાલક મંડળ
સંચાલક મંડળ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, ખાનગી ટ્યૂશન વર્ગો ઉપર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવે તો ટ્યૂશન ક્લાસમાં શિક્ષણ આપી રહેલા શિક્ષકો ગ્રાન્ટેડ, સ્વનિર્ભર કે સરકારી શાળાઓના છે કે તેમ તેની ખબર પડી શકે છે. ડે સ્કૂલના પાટિયા હેઠળ ચાલતી, બોર્ડમાં નોંધાયેલી શાળાઓની વધી રહેલી સંખ્યા પણ ચિંતાજનક છે. ટ્યૂશનની બદીને રોકવા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી ભલામણમાં જણાવાયું છે કે, ધો. 9થી ધો. 12ના વર્ગોમાં ભણાવતા વિષયોનું ભારણ ઓછું કરવું. ફરજિયાત 6 વિષયોની જ શાળાકીય તથા બોર્ડ પરીક્ષા રાખવી, પરીક્ષાઓમાં ગુણને બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવી, શાળામાં ભણાવવામાં આવતા વિષયો મુજબ શિક્ષકની ભરતી કરવા છૂટ આપવી, વર્ગ ખંડોમાં વિદ્યાર્થીની સંખ્યા માર્યાદિત કરવી, બોર્ડ પરીક્ષામાં પ્રશ્નપત્રનો ઢાંચો બદલવો, શિક્ષકને તેના વિષયના પરિણામ સંદર્ભે જવાબદાર ગણીને ઓછા પરિણામ બાબતે દંડની જોગવાઈ કરવી જેવી ભલામણ કરાઈ છે. કોચીંગ ક્લાસ, સ્ટડી સેન્ટર અને ડે સ્કૂલના નામે હેઠળ ચાલતી શિક્ષણની હાટડીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણધારાની જોગવાઈ અનુસાર રોજના રૂૂ. 1 હજારનો દંડ તથા પોલીસ કેસ કરવા માટે જિલ્લા અધિકારીઓને સૂચના આપવી જોઈએ.