આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લોકલ અપનાવવા CMનો અનુરોધ
05:52 PM Nov 22, 2025 IST | Bhumika
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા ભવનના ભૂમિપૂજન બદલ ચેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના વિકાસની વાત પર ભાર મૂક્યો હતો, જેના કારણે દરેક રાજ્યનો ભરોસો અને વિશ્વાસ કેન્દ્ર સરકાર પર વધ્યો છે. વડાપ્રધાનનું નેતૃત્વ એક ભારત શ્રેષ્ઠ ભારત અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરાવવા સક્ષમ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનામાં માને છે અને તેમનો કાર્યમંત્ર નસૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતના વિકાસની શરૂૂઆત કરી, ત્યારે માત્ર એક શહેર કે એક ઝોન નહીં, પરંતુ આખા ગુજરાત માટે વિચાર કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો સ્પષ્ટ નિર્ધાર છે કે ભારત એવું રાષ્ટ્ર બને, જ્યાં ટેકનોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય આપવામાં આવે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા માટેનું મૂળ સ્વદેશી છે. આત્મનિર્ભર ભારત માટે ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબ’ અપનાવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું કે, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ રોજિંદા જીવનમાં સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફના ઉદ્દેશમાં અગ્રેસર રહેશે. આજરોજ યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીના હસ્તે સૌપ્રથમ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિપૂજન કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ, ગ્રેટર ચેમ્બરના ચેરમેન ધનસુખભાઈ વોરાની સેવાનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 50 વર્ષથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમની નિ:સ્વાર્થ સેવા અને પ્રદાન બદલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્યમંત્રીના હસ્તે વરિષ્ઠ પત્રકારશ્રી કૌશિકભાઈ મહેતા દ્વારા લિખિત શ્રી ધનસુખભાઈ વોરાની બાયોગ્રાફીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વે ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ઉદયભાઈ કાનગડ, અગ્રણી માધવભાઈ દવે, ભરતભાઈ બોઘરા, રાજુભાઇ ધ્રુવ સહિતના મહાનુભાવો તેમજ જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, મહાનગરપાલિકા કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નગરપાલિકાના પ્રાદેશિક નિયામક મહેશ જાની, નિવાસી અધિક કલેકટર એ. કે. ગૌતમ સહિતના ઉચ્ચ અધિકારીઓ, જુદા જુદા ઔદ્યોગીક સંગઠનોના હોદ્દેદારશ્રીઓ તેમજ વ્યાપાર જગતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement