CM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો
ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા)એ પદભાર સંભાળ્યા બાદ હવે તેમને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં સત્તાવાર બંગલાની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલાક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલને તેમનો લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સંકુલના અંતિમ બંગલો નંબર 43 ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પદ અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતો રાજભવનની સામેનો બંગલો નંબર 12અ રીવાબા જાડેજાને રહેવા માટે ફાળવાયો છે, જ્યારે કાંતિલાલ અમૃતિયાને વિવાદિત મંત્રી બચુ ખાબડને અગાઉ ફાળવાયેલો 33 નંબરનો બંગલો મળ્યો છે. કનુભાઈ દેસાઈ: 22, ઋષિકેશ પટેલ: 21, કુંવરજી બાવળિયા: 18, જીતુભાઈ વાઘાણી: 5, નરેશ પટેલ: 20, અર્જુન મોઢવાડિયા: 12, પરસોત્તમ સોલંકી: 14 અને પ્રફુલ પાનસેરીયા: 31.ગાંધીનગરમાં મંત્રીઓના બંગલા પાછળ કેટલીક રસપ્રદ માન્યતાઓ પ્રવર્તે છે. કુલ 43 જેટલા બંગલાઓમાંથી 13 નંબરનો કોઈ બંગલો નથી, કારણ કે આ નંબર અપશુકનિયાળ માનવામાં આવે છે.
તેથી 12 નંબર પછી સીધો જ 12-અ નંબર આપવામાં આવ્યો છે. જોકે, નવા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા હોવા છતાં, હાલ અનેક બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, મુળુભાઈ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના જૂના મંત્રીઓએ હજુ સુધી બંગલા ખાલી કર્યા ન હોવાથી, નવા મંત્રીઓના નિવાસની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.