રાજકોટના લોકમેળા ઉપર ઘેરાતા અનિશ્ર્ચિતતાના વાદળો
ગાઈડલાઈનમાં બાંધછોડ કરવાનો કલેકટરનો સ્પષ્ટ ઈન્કાર, ફોર્મ ભરવાની મુદત પણ નહીં લંબાવાય
કડક નિયમોના કારણે રાઈડ્સ સંચાલકો પીછેહઠ કરવાના મુડમાં, તો સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓને થશે અસર
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળા ઉપર અનિશ્ર્ચિતતાના વાદળો ઘેરાયા છે. જન્માષ્ટમીના તહેવારોમાં યોજાનાર પાંચ દિવસના આ લોકમેળામાં રાઈડસ સંચાલકો માટે નિયમોમાં બાંધછોડ કરવાની જિલ્લા કલેકટરે ના પાડી દેતા રાઈડસ સંચાલકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓનો બહિષ્કાર કરે તેવી શકયતા છે. લોકમેળામાં ફજેતફાળકા, ચકડોળ, ચકરડી સહિતની રાઈડસનું જ વિશેષ આકર્ષણ રહેતું હોય છે પરંતુ જો રાઈડસ વગર મેળો યોજાય તો ખાણીપીણીનાં ધંધાર્થીઓ પણ સ્ટોલ ખરીદે નહીં તેવી શકયતા દર્શાવાય છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં અગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળામાં રાજ્ય સરકારની RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને જીએસટી સાથેના રાઈડના બિલને લઈને રાઈડ સંચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. 238 સ્ટોલ અને પ્લોટ સામે હજુ સુધીમાં 23 ફોર્મ જ ભરાયા છે. જેમાં રાઈડ ભાડે રાખવા માટે એકપણ ફોર્મ ભરાયું નથી. ગઈકાલે કલેકટરની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રનો સ્ટાફ, રોડ એન્ડ બિલ્ડીંગના અધિકારીઓની રાઈડ ધારકો સાથે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક નિષ્ફળ નીવડી છે.
કલેક્ટરે રાજ્ય સરકારની SOPમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ છે તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે. તો આ સાથે જ જો છેલ્લી તારીખ સુધી એકપણ રાઈડ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે તો આ વખતે રાઈડ વિના લોકમેળો યોજાશે. ગુજરાત એમ્યુઝમેન્ટ રાઈડસ સભ્યોએ કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા 50 વર્ષથી મેળાઓ યોજાય છે. જેમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ નથી. જેથી ટેમ્પરરી મેળામાં રાઈડ હેઠળ લોખંડની પ્લેટ રાખવાની છૂટ આપવા સહિતની બાંધછોડ કરવામાં આવે તેવી માંગણી છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, લોકમેળા અમલીકરણ સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી અને ત્યાર બાદ સાંજના સમયે રાઈડ સંચાલકો સાથે બેઠક મળી હતી. જેમાં તેમના દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અમારા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, રાઇડ અને સ્ટોલ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં આવે. ફોર્મ ભરવાની તારીખમાં હવે કોઈ વધારો કરવામાં નહીં આવે. SOP વિના એકપણ રાઇડ સંચાલકોને રાઇડ રાખવાની મંજૂરી આપવામાં નહીં આવે. જો છેલ્લી તારીખ સુધી એકપણ રાઈડ સંચાલક દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે તો વહીવટી તંત્ર દ્વારા તે રીતે આગળ વધવામાં આવશે.
ગુજરાત મેળા એસોસિએશનના સભ્ય કૃણાલ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત મેળા એસોસિયેશનના સભ્યોની કલેક્ટર સાથે બેઠક હતી. કલેકટર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે મેળો રાઈડસ વિના યોજશું બાકી SOPમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવેલું છે. ટેમ્પરરી લોકમેળામાં યાંત્રિક રાઈડ સંચાલકોને રાહત આપવામાં આવે તેવી માંગણી છે. કારણકે રાજ્ય સરકારની યાંત્રિક રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન અને જીએસટી સાથેનુ રાઈડનું બિલ માંગવામાં આવે છે જે શક્ય નથી. આ રીતે રાજકોટ તો શું સૌરાષ્ટ્રમાં એક પણ મેળો યોજાય તેમ નથી.
જે પણ જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે રાજકીય ભલામણથી જ થયું હશે. કારણકે SOPનું પાલન કરીને એકપણ પ્રકારનો મેળો થાય તેવી શક્યતા નથી.હાલ જે રીતે કલેક્ટર નિવેદન આપ્યું તેનાથી એવું નથી લાગતું કે આગામી શ્રાવણ અને જન્માષ્ટમી મહિનામાં સૌરાષ્ટ્રમાં એક પણ લોકમેળાનું આયોજન થાય. રાઈડ હેઠળ સિમેન્ટના RCC ફાઉન્ડેશનને બદલે કડક લોખંડની પ્લેટ મુકવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી છે. રાજકોટ શહેરમાં 8થી 9 પ્રાઇવેટ મેળા થાય છે. જ્યારે એક સરકારી મેળો થાય છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 32 મેળા થાય છે. જ્યાં 15,000 જેટલા સ્ટોલ સંચાલકો આવે છે. જો રાઈડસ નહીં હોય તો એકપણ સ્ટોલ સંચાલક મેળામાં પોતાના સ્ટોલ રાખશે નહીં. રાજકોટનો લોકમેળો રાઈડ વિના અશક્ય છે.