રાજકોટ-જેતપુર વચ્ચે કામ ચાલુ રહે ત્યાં સુધી ટોલનાકા બંધ કરો
માત્ર 36 કિ.મી.માં બે ટોલનાકા સામે પણ ઉઠાવાયેલો સવાલ, સિક્સલેન કામના કારણે 30થી 35 મિનિટમાં કપાતું અંતર 80થી 90 મિનિટે કપાય છે
જેતપુર રાજકોટ વચ્ચેના હાઈવેને સિક્સલેન બનાવવાની કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંનેટોલનાકા પીપળિયા અને પીઠડિયા ટોલનાકા પરથી પસાર થતાંવાહનોમાં ટોલટેક્સ માફ કરવા ગોંડલ વિધાનસભા યુથ કોંગ્રેસના આગેવાને કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે.
ગોંડલ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાએ કેન્દ્રીય માર્ગ મંત્રીને એક આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે જેતપુર રાજકોટ હાઈવેને સ્કિસલેન બનાવવાની કામગીરી લાંબા સમયથી ચાલુ અને હજી એકાદ વર્ષ ચાલવાની છે ત્યારે આ હાઈવે પર 36 કિ.મી.ના અંતરે આવેલા બંને ટોલનાકા પર પસાર થતાં વાહનોનો ટોલ માફ કરવો જોઈએ નિયમ મુજબ 36 કિ.મી. અંતરમાં બે ટોલનાકા ન હોઈ શકે છતાં વાહનો પાસેથી મોટો ટોલ વસુલવામાં આવે છે જે ગેરકાયદે છે ટોલનાકા ઓછામાં ઓછા 60 કિ.મી. મીટરે જ હોઈ શકે એથી ઓછા અંતરે નહીં.
જેતપુર રાજકોટ હાઈવે પર ચાલતી કામગીરીના કારણે વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલી પડેલ છે. નેશનલ હાઈવેથી હાલતા ગામડાના ગાડા માર્ગ જેવી થઈ ગઈ છે. ગોંડલથી રાજકોટ સુધીનો રસ્તો જે 30થી 35 મીનીટમાં કપાતો હતો તે હવે 80થી 90 મીનીટે કપાય છે. આથી વાહનોમાં ઈંધણ બહુ વપરાય છે અને આમ જનતાનો સમય પણ ખુબ જ બગડે છે. વળી ખરાબ રસ્તાને લીધે વાહનોમાં ભાંગતુટ પણ બહુ થાય છે. આથી જ્યાં સુધી સ્કિસલેનનું કામ ચાલુ રહે ત્યાં સુધી બંને ટોલનાકા પર વાહનોના ટોલ માફ કરવા જોઈએ એવી આવેદનમાં માંગણી કરવામાં આવી છે.