For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળા-કોલેજો નજીક તમાકુ સિગારેટના અડ્ડા બંધ કરાવો

04:30 PM May 23, 2025 IST | Bhumika
શાળા કોલેજો નજીક તમાકુ સિગારેટના અડ્ડા બંધ કરાવો

રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી આવનારા દિવસોમાં ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તમાકુનું વેચાણકર્તા વેપારીઓ પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી.

Advertisement

કલેકટરએ જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યસનમુક્તિકેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી, જેમાં ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મુકાયો હતો. આ સાથે જાગૃતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકો, યુવાનોને નસે નો ટુ ડ્રગ્સના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકાર પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીઓને નિર્દેશ અપાયા હતા.

Advertisement

રાજકોટ જિલ્લામાં અવાવરુ જગ્યાઓ તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, રાજકોટ ઝોન-2 ડી.સી.પી. જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારીઓ સર્વે વિમલ ચક્રવર્તી, આર.આર. ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખાલા, પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement