For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરબામાં તિલક મામલે VHP-દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ

05:57 PM Oct 05, 2024 IST | Bhumika
ગરબામાં તિલક મામલે vhp દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ  લાઠીચાર્જ
Advertisement

ગાંધીનગરના સૌથી મોટા ગરબામાં હિંદુ સંગઠનો ધરાર તિલક કરવા પહોંચતા પોલીસ સાથે ઝપાઝપી, આયોજકો અંગે સસ્પેન્સ

ગાંધીનગરમાં નવરાત્રિના બીજા દિવસે સૌથી પ્રીમિયમ ગરબાના નામે રૂૂ.15,000થી લઈ 25 હજાર રૂૂપિયાના ભાવે વેચાયેલા ધ શેરી અફેર ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા, ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ સમયે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Advertisement

વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રાંતના અશોક રાવલે જણાવ્યું હતું કે, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે અદાસણ ચોકડી નજીક આવેલા ફાર્મ હાઉસના ગરબામાં તિલક કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે પોલીસ અને ગરબામાં રહેલા બાઉન્સરો સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં ગરબાના આયોજકોના બાઉન્સરો આવ્યા હતા અને બોલાચાલી કરી હતી. બાઉન્સરોમાં કેટલાક વિદ્યાર્થી બાઉન્સરો હતો, જેના કારણે વધારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, ત્યારબાદ બધુ શાંત થઈ ગયું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે અમારા કાર્યકર્તાઓ ત્યાં ગરબામાં તિલક કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે કોણ આયોજક છે તે અંગે કોઈ માહિતી નહોતી. કોઈપણ આયોજક ત્યાં આવતા નહોતાં. અમને જાણકારી મળી હતી કે, એમાં કેટલાક અન્ય ધર્મના પણ લોકોએ આ ગરબાનું આયોજન કર્યું છે. પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

છેલ્લા કેટલાક વર્ષથી સૌથી પ્રીમિયમ ગરબાના નામે ધ શેરી અફેર નામથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર સફેદ કપડાં પહેરી અને ગરબા રમવા માટે ખેલૈયાએ આવવાનું હોય છે. 18 વર્ષથી લઇ અને માત્ર 45 વર્ષ સુધીના લોકોને જ ગરબા રમવા માટે પાસ આપવામાં આવે છે. ગરબાના આયોજક દ્વારા છેલ્લી ઘડી સુધી કઈ જગ્યાએ ગરબાનું આયોજન કરાયું છે, તેની જાહેરાત કરવામાં આવી નહોતી. રૂૂ. 25,000 સુધીની કિંમતના પાસ વહેંચાયા હતા. નવરાત્રિના બીજા દિવસે યોજાયેલા આ ગરબા ગાંધીનગરના સરગાસણ પાસે આવેલા ઠાકરસ્ ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતાં, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ હાજર હતા.

સૂત્રો મુજબ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને આ ગરબાના આયોજકમાં અન્ય ધર્મના લોકો પણ ભાગીદારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ જ્યારે આ ગરબામાં તિલક વિધિ માટે ગયા, ત્યારે હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉગ્ર બોલાચાલી અને મામલો બિચકતા પોલીસે લાઠી ચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ સમગ્ર મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement