અમદાવાદ વિમાન દુર્ઘટનાના 260 પીડિત પરિવારોનો દાવો અમેરિકી શટડાઉનમાં અટવાયો
12 જૂને થયેલી ભયાનક અમદાવાદ વિમાન દુર્ઘટનાના 125થી વધુ પીડિતોના પરિવારો દ્વારા બોઇંગ કંપની સામે કાયદાકીય દાવો (Lawsuit) દાખલ કરવાની પ્રક્રિયામાં અમેરિકી સરકારના શટડાઉનને કારણે વિલંબ થયો છે. આ દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયાં હતાં.
પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલી અમેરિકન લો ફર્મ બીઝલી એલનના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબરથી શરૂૂ થયેલા યુએસ ગવર્મેન્ટ શટડાઉનને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી તેમને અકસ્માત સંબંધિત મહત્ત્વનો ડેટા મળ્યો નથી.
બીઝલી એલને 13 ઓગસ્ટના રોજ ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ FAAને પત્ર લખીને જરૂૂરી માહિતી માંગી હતી, જેમાં કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR)નું રેકોર્ડિંગ, એન્હાન્સ્ડ એરબોર્ન ફ્લાઇટ રેકોર્ડર (EAFR)ની માહિતી અને દુર્ઘટના સ્થળના તમામ ફોટા/ડાયાગ્રામનો સમાવેશ થાય છે.ફર્મના પ્રિન્સિપાલ એટર્ની માઇકલ એન્ડ્રુઝે જણાવ્યું હતું કે FAA ના પ્રતિભાવમાં વિલંબ થયો છે. FAA તરફથી ડેટા મળ્યા પછી અને તેની તપાસ કર્યા બાદ તેઓ યુએસ કોર્ટમાં બોઇંગ સામે મુકદ્દમો દાખલ કરવા આગળ વધવાની યોજના ધરાવે છે.
એન્ડ્રુઝે એરોનોટિકલ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક અહેવાલ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, પ્રારંભિક અહેવાલમાં સંપૂર્ણ ડેટા શેર કરાયો નથી. આનાથી ગૂંચવણ ઊભી થાય છે અને પાયલોટ્સને અન્યાયી રીતે દોષી ઠેરવવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા સ્વયંસંચાલિત વિમાનોમાં સિસ્ટમ્સ જટિલ હોય છે અને તે કમ્પ્યુટર કમાન્ડ્સ દ્વારા સક્રિય થઈ શકે છે.
