પાળ દરબાર દ્વારા રૈયાની કરોડોની જમીન મુદ્દે કરાયેલ દાવો રદ
કોર્ટ દ્વારા કરવામાં આવેલ કાયદેસરના હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં: અદાલત
રૈયા સર્વે નં. 250 વાળી જમીન સંબંધે પાળ દરબાર દ્વારા ગુ. કાંતિલાલ અંબાલાલ પટેલ (કાંતિ કપચી)ના વારસો તથા અન્યો વિરૂૂધ્ધ કરવામાં આવેલું કોર્ટનું હુકમનામું રદ કરવાના દાવામાં કાયદેસરના હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં, તેમ ઠરાવી સિવિલ કોર્ટે રૈયા સર્વે નંબર 250 સંબંધે થયેલો દાવો રદ કરી સ્વ. કાંતિલાલ પટેલના વારસોની તરફેણમાં હુકમ કર્યો છે. કેસની હકીકત મુજબ, રાજકોટના રૈયા ગામના રેવન્યુ સર્વે નં. 250ની જમીન એકર 198-39 ગુંઠામાંથી પાળ દરબાર હરીશચંદ્રસિંહ જાડેજાએ અગાઉ ડાયાલાલ જમનાદાસ રૂૂપારેલને એકર 50 તથા વિનાયકરાય છોટાલાલને એકર 50 વેચાણ આપવા સને-1980માં કરારો કરી અવેજ પેટે રકમો મેળવી જમીનો તબદીલ કરવા પરવાનગી મેળવવા અરજી કરી હતી, પરંતુ તે અરજીઓ રાજકોટ કલેકટર દ્વારા નામંજુર કરવામાં આવ્યા બાદ હરીશચંદ્રસિંહ જાડેજાએ સુથી તથા અવેજની રકમો પરત નહિ કરી ઓળવી ગયા અંગે ડાયાલાલ જમનાદાસ તથા વિનાયકરાય છોટાલાલ દ્વારા સુથી તથા અવેજની રકમો પરત મેળવવા દિવાની દાવાઓ કર્યા હતાં.
આ દાવાઓ પેન્ડિંગ હોવા દરમ્યાન જ અર્બન લેન્ડ સીલિંગ એકટ-1976 તથા એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એકટ-1961 અન્વયે ચાલતા પ્રોસીડીંગ્ઝમાં મધ્યસ્થીથી હરીશચંદ્રસિંહ જાડેજાએ જમીન ડેવલપમેન્ટ અંગેનો સાટાખત કરાર કરી આપેલો હતો અને હરીશચંદ્રસિંહ જાડેજાએ તે જ દિવસે કાંતિલાલ અંબાલાલ પટેલની સૂચના અન્વયે ધનંજય વલ્લભભાઈ પટેલ જોગ તમામ પ્રકારની સતાઓ આપતું કુલમુખત્યારનામું નોટરાઈઝડ કરી આપેલ હતું, જે અંગે હરિશ્ચંદ્રસિંહ જાડેજા વગેરેએ વડોદરા જઇ વેચનારની સગવડતા અને સ્પષ્ટતા દર્શાવતો નવો કરાર બનાવી સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝડ કરાવવામાં આવેલ હતો. જે કાર્યવાહીમાં વિલંબ થતાં જે તે વખતે હરીશચંદ્રસિંહ જાડેજા તથા કાંતિલાલ પટેલના કોમન મિત્ર સનતભાઈ મહેતાની દરમ્યાનગીરીથી નવો વિશેષ કરાર અવેજની રકમની સમજુતી અંગે કરવામાં આવેલ હતો. એ મુજબ બંને કુલમુખત્યારનીની સંમતિથી કરારદાદી હુકમનામું સીનીયર સીવીલ જજની કોર્ટ દ્વારા હુકમનામું કરી આપવામાં આવ્યું હતું.
પરંતુ આ કરારદાદી હુકમનામાં બાદ કુલમુખત્યારનામું રદ કરવા અંગેની નોટિસ હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવેલ હતી. બાદ તુરત જ હરીશચંદ્રસિંહ જાડેજાના બહેન કૃષ્ણકુંવરબા દ્વારા વર્ષ 2001મા દાવો દાખલ કરવામાં આવતા જમીન વાદગ્રસ્ત બની હતી. જેમાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પોતાની નાદુરસ્ત તબિયત અન્વયે કાંતિલાલ પટેલ દ્વારા કરાવી લેવામાં આવેલ હોવાની તકરાર ઉપસ્થિત કરી હુકમનામું રદબાતલ ઠરાવવા અર્થે દાવો દાખલ કરવામાં આવેલ હતો. આ દાવો કોર્ટ સમક્ષ પેન્ડીંગ દરમ્યાન સને-2004 થી 2006 સુધીના સમયગાળા દરમ્યાન કાંતિલાલ પટેલ પાસેથી આશરે 7.35 લાખ રકમ ચેક તથા ડ્રાફટ થી હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા સ્વીકારવામાં આવેલ હતી. બાદ સને-2006 ના અંતમાં હરીશચંદ્રસિંહ જાડેજા નું અવસાન થતાં તેઓના વારસદારોએ હાલના દાવામાં પક્ષકારો બનીને સરતપાસ અંગેના સોગંદનામામાં હરીશચંદ્રસિંહ જાડેજાએ અફીણના નશામાં કાંતિલાલ પટેલ જોગ કરારો કરી આપેલા કરારો રદ કરવા રજૂઆતો કરી હતી.
બીજી તરફ સને-2010 ના સમયગાળામાં કાંતિલાલ અંબાલાલ પટેલ દ્વારા મે. સિધ્ધી ઈન્ફાસ્ટ્રકચરના નામથી ધંધો કરતી ભાગીદારી પેઢીને રજીસ્ટર્ડ કરાર કરી કરારવાળી જમીનનો કબજો સુપ્રત કરી આપેલો હોય અને મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા સીકયુરીટી એજન્સી નિયુકત કરતા પક્ષકારો અને સિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે જમીનના કબજા સંદર્ભે કોર્ટ વિવાદમાં પંચનામું કરવાના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કર્યા બાદ પક્ષકારોએ રીવીઝન અરજી પાછી ખેંચી લીધા બાદ નવા કોર્ટ કમીશ્નર દ્વારા પક્ષકાર યશપાલસિંહ અમરસિંહ જાડેજાને નોટિસ ચોડી બજાવવાનો હુકમ કર્યા બાદ તેવી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસ પ્રોટેકશન સાથે વાદગ્રસ્ત જગ્યાનું પંચનામું થતાં તેવા પંચનામા અન્વયે વાદગ્રસ્ત જગ્યાનો કબજો મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સનો હોવાનું પ્રસ્થાપિત થઈ ગયેલ હતું. હાઈકોર્ટ સમક્ષ ચાલતા ફર્સ્ટ અપીલ્સના પ્રોસીડીંગ્ઝમાં નિમાયેલી ત્રણ સભ્યોની કમીટીને મે. સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા કબજો સુપ્રત કરી આપવામાં આવેલ હતો. તેમજ આજદિન સુધી ગઠન કરવામાં આવેલ કમીટીને વાદગ્રસ્ત જગ્યાની જાળવણી માટે થતી ખર્ચની રકમ મે. સિધ્ધી ઈન્ફાસ્ટ્રકચર્સ દ્વારા હાઈકોર્ટમાં જમા કરાવવામાં આવી રહેલ છે.
દરમિયાન હરિશ્ચંદ્ર સિંહ જાડેજાના 07/ 02/ 2001 ના રોજ કરાવી લીધેલ હુકમનામું રદબાતલ ઠરાવવા અંગેના દાવામાં કોર્ટ સમક્ષ ઉભયપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ તથા રજુઆતો લક્ષમાં લઈને પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ પીપરાની દ્વારા આશરે 404 પાનાનો લાંબો ચુકાદામા વાદીનો દાવો નામંજુર કરતા હુકમથી ખળભળાટ મચી ગયો છે. આ કામમાં પ્રતિવાદીઓ તરફે ધારાશાસ્ત્રીઓ ઉદયન 2. દેવમુરારિ, જતીનભાઈ ઠકકર, ધર્મેશભાઈ શેઠ, કેતન શાહ, અભય બારડ તેમજ હાઈકોર્ટના સીનીયર કાઉન્સેલ મેહુલભાઈ શાહ રોકાયા હતાં.