સિવિલ સુપ્રિ. ભુવા પાસે દાણા નખાવવા પહોંચ્યા
હોસ્પિટલમાંથી માતાજીનુ મંદિર ખસેડવા મંજૂરી માંગી પણ મળી નહીં !
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા આવેલુ મંદિર ખસેડવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ભુવાના શરણે ગયાનો અને ભુવા પાસે દાણા નખાવ્યાનો આક્ષેપ થતા ચકચાર જાગી છે.
અમદાવાદ સ્થિત સિવિલ હસ્પિટલનું જૂનુ બિલ્ડીંગ તોડીને તેની જગ્યાએ નવુ બિલ્ડિંગ બનાવવાની તૈયારી કરવામાંઆવી રહી છે. બીજીતરફ જૂના બિલ્ડીંગ પરિસરમાં ખોડિયાર મંદિર આવેલું છે. આ મંદિર ખસેડવાની તૈયારી કરવામાંઆવી રહી છે. બીજીતરફ આ મંદિર ખસેડવા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમા માતાજીની રજા લેવા માટે ગયા હતા ત્યારે મંદિરના ભુવાએ ધૂણીને ના પાડી હતી.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડેન્ટ ડો. રાકેશ જોશી આ મંદિરને ખસેડવાનું હોવાથી મંદિરના પૂજારી પાસે ગયા હતા ત્યારે પૂજારીએ માતાજીની રજા લેવા માટે મંદિરમાં દાણા જોવડાવતા હતાં.માતાજીની રજા લેવાની હોવાથી ડોક્ટર પણ બેઠા હતાં. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ મંદિરમા દર્શનાર્થે આવ્યા હતાં. આજના આધુનિક યુગમાં પણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દાણા જોવડાવવા બેઠા હોવાથી આ અંધશ્રદ્ધા કે વિશ્વાસ તેને લઈને અનેક ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.
સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોષી સામે પૂજારીએ ધૂણતા ધૂણતા કહ્યું કે, તમારું થઈ જશે, પણ આ જગ્યાને છોડી દેશો, તારું કામ થઈ જશે કોઈ રૂૂકાવટ નહીં આવે. આ જગ્યા કોઈની નથી મારી છે. આ જગ્યા છોડી દો તો જ સારું રહેશે નહીંતર માતાજી તમારું કામ નહીં કરે. આ માતાની જમીન છે. મારું કે તમારું કોઈનું નથી. આ જગ્યા નહીં છોડું. ત્રણ રજામાંથી બે રજામાં માતાજી ના પાડે છે. માતાજીએ રજા આપી નથી.આ જગ્યા છોડી કામ શરૂૂ કરી દો, તમારું કામ થઈ જશે. જેણે કર્યું છે કામ તેને પરચો મળી ગયો છે. માતાની ઈચ્છા થાય પછી આગળ કામ થાય. માતાની રજા વિના કશું જ નથી કરવાનું. જેમ છે એમ જ રાખીશું. જ્યારે માતાની રજા થશે ત્યારે જ આગળ વધીશું.
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ તોડીને ત્યાં 1800 બેડની નવી હોસ્પિટલ બનાવવાની છે. જુના કેમ્પસમાં જ વર્ષો જૂનું ખોડીયાર માતાનું મંદિર છે, જે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.જૂના બિલ્ડીંગનું ટૂંક સમયમાં ડિમોલિશન કરવામાં આવશે.જે માટે આ મંદિરની જગ્યા પણ સિવિલને મળે તેથી મંદિરના પ્રશાસનની સાથે બેઠક માટે આજે ગયો હતો. મંદિર તરફથી મંદિર હટાવવા માટેની પરવાનગી આપવામાં આવી નથી.