સિવિલ હોસ્પિટલ જ અસુરક્ષિત, CCTV કેમેરા આંધળા
રોજ બે-ત્રણ વાહનો ચોરાઇ જાય છે અને પોલીસમાં ગુનો નોંધવાના બદલે માત્ર અરજી સ્વીકારે છે
તબીબો અને સ્ટાફના વાહનો ઉપર પણ સતત જોખમ, સિકયોરિટી પાછળ લાખોનો ધુમાડો છતાં સુરક્ષાના નામે મીંડું
સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રોજ બરોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે કોઇ દર્દીના મોબાઇલ કે બાઇક ચોરાઇ જવાની ઘટનાઓ અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકી છે. ત્યારે હાલ રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં તસ્કરો અને લુખ્ખા તત્વોએ માઝા મુકી છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા 3 મેઇન ગેટ પર સીસીટીવી રાખવામાં આવ્યા નથી તેમજ લાખો રૂપિયાના ખર્ચે રાખવામાં આવેલી સીકયુરીટી ગાર્ડ પણ દર્દીઓને તબીબોના વાહનોને સુરક્ષા આપી શકતી ન હોવાનું સામે આવ્યુ છે. સિવિલ હોસ્પિટલમાંથી રોજ બરોજના 3 થી 4 વાહનો ચોરાઇ જવાની ઘટનાઓ સામે આવી રહી છે.
સિવિલ હોસ્પિટલમાંથી અગાઉ બાઇક ચોર અને મોબાઇલ તફડાવવાના કેસો વધતા પ્રનગર પોલીસ દ્વારા અગાઉ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ત્યારે અનેક લુખ્ખાઓ અને બીનવારસુ શખ્સો સિવિલ હોસ્પિટલમાં પડયા પાર્થયા રહેતા ડઝનબંધ લોકોને પકડી કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ સિવિલ હોસ્પિટલને છોડી તસ્કરો દ્વારા ઝનાના હોસ્પિટલમાં પડાવ નાખ્યા હતા જો કે ત્યા પણ સિકયુરીટી હોવા છતા નાની મોટી ચોરી થવાના બનાવો સામે આવી રહયા હતા.
હોસ્પિટલ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે પીડીયુ હોસ્પિટલમાં હાલમાં દિવસોમાં દર્દીઓ તેમજ તેમના સ્વજનોના વાહનોનુ પાર્કિંગ પોલીસ ચોકીની પાછળ આવેલી શેરીમાં કરવામાં આવ્યુ છે પણ અહીં પાર્ક કરાયેલા બાઇકમાંથી બેટરી ચોરી તેમજ સામાન ચોરી અને વાહન ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી જાય છે ત્યારે વાહન ચાલકોમાં કચવાટ પેદા થયો છે. મુખ્ય વાત એ છે કે અહીં જયા તબીબો દર્દીઓના સ્વજનોના જયા વાહન પાર્ક કરવામાં આવે છે ત્યા સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. જેથી પોલીસ ફરીયાદ નોંધાય તો પોલીસ દ્વારા પણ વાહન ચોરને પકડવા મુશ્કેલ બને છે. તેમજ લાખો રૂપિયાની સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવતી હોવા છતા સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી દ્વારા સુરક્ષાના નામે ઝીરો સુવિધા મળી રહી છે આ મામલે પ્રનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટેે જણાવ્યુ હતુ કે પ્રનગર સ્ટાફ દ્વારા રાત્રીના સમયે સિવિલ હોસ્પિટલમાં પેટ્રોલીંગ કરવામાં આવે છે તેમજ આવારા તત્વો દેખાય તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં સીકયુરીટીની સઘન વ્યવસ્થા હોવા છતા સિવિલના પ્રાંગણમાંથી અવાર નવાર ખીસ્સા કાતરૂ, મોબાઇલ ચોર પકડાય છે તેમજ વાહનોમાંથી બેટરી તેમજ નાના વાહનોમાંથી સામાન ચોરી કરતા તસ્કરો સિકયુરીટી કે પોલીસને ધ્યાને આવતા જ નથી ! હોસ્પિટલે આવતા લોકો અને દર્દીઓ કે વાહનની સલામતી અને સુરક્ષા માત્ર કાગળ પર જ હોવાનુ સાબીત થઇ રહી હોવાનુ જાગૃત લોકોમાં સવાલ ઉઠી રહયો છે.
કલેક્ટર કચેરીમાં ચોકીદાર જ ચોર નીકળ્યો !
રાજકોટ કલેકટર કચેરીમાં સિક્યુરિટી ગાર્ડ પેટ્રોલ ચોરી કરતો ઝડપાયો હતો.સરકારી કચેરીના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવતા વાહનમાંથી પેટ્રોલની ચોરી કરતા ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિક્યોરીટી ફોર્સનો જવાન રંગે હાથ ઝડપાયો છે. આ મામલો કલેક્ટર સુધી પહોંચ્યો હતો.બાદમાં કલેકટર દ્વારા પણ કર્મચારીઓને ખખડાવ્યા પણ હતા. ઓરનીગ પણ આપી હતી.કડક સુચના પણ આપવામાં આવી હતી.પરંતુ પેટ્રોલ ચોરીનો વિડીયો વાયરલ થતા સાથે જ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિક્યોરીટી ફોર્સ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાંજ સુધીમાં જ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહે છે. સિક્યુરિટી સામે આકરા પગલાની સાથે જ કલેકટર ઓફિસમાં ગણગણત શરૂૂ થઈ ગયો છે અને આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન્ડ બન્યો હતો.