સિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાં
‘સેવા’ના નામે ખાનગી એમ્બ્યુલન્સો અને શબવાહિની દ્વારા ઉઘાડી લૂંટ, ગરીબોની સરકારી સુવિધા બંધ, ખાનગી ધંધાર્થીઓને ખટાવવાના ખેલ
15 એમ્બ્યુલન્સ અને 10 શબવાહિનીની માગણી સરકારે ત્રણ વર્ષથી દબાવી રાખી છે, છાસવારે ફોટોશેસન યોજતા નેતાઓના મોઢે પણ તાળા
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમા સૌરાષ્ટ્રભરના ગરીબ લોકો નિદાન-સારવાર માટે આવે છે પરંતુ આટલી વિશાલ હોસ્પિટલમા સૌથી પાયાની જરૂરીયાત સમાન એમ્બ્યુલન્સ અને શબ વાહિનીની સુવિધા ખૂબજ ઓછી હોવાથી ગરીબ દર્દીઓને દસ ગણા ભાડા ખર્ચીને ખાનગી એમ્બ્યુલન્સો કે શબવાહીની ભાડે રાખવાની ફરજ પડી રહી છે.
જાણકારોનું કહેવુ છે કે , સિવિલ હોસ્પિટલમા ઇરાદાપૂર્વક એમ્બ્યુલન્સો અને શબવાહિનીઓ ઓછી રાખીને ખાનગી ધંધાર્થીઓને ખટાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહયુ છે અને આ ધંધામા કેટલાક રાજકીય નેતાઓના મામકાઓને સાચવી લેવામાં આવ્યા છે.
ગરીબ દર્દીઓને ખંખેરી ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહીની વાળાઓને ખટાવવા માટે ગાંધીનગરથી જ આશિર્વાદ હોય તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલમા 15 એમ્બ્યુલન્સ અને 10 શબવાહિનીની માંગણી ત્રણ વર્ષ પહેલા કરવામા આવી છે પરંતુ ત્રણ વર્ષથી સરકારે એમ્બયુલન્સ કે શબવાહિની ફાળવણી માટે કોઇ જવાબ સુધા આપ્યો નથી.
હાલની સ્થિતિ જોઇએ તો સિવિલ હોસ્પિટલમા ઓપીડીમાં દરરોજ 2500 થી 3000 અને ઇન્ડોરમા રોજ 1000 થી 1500 દર્દી આવે છે. હાલ 15 એમ્બ્યુલન્સની જરૂરિયાત સામે લાખથી વધુ કિલોમીટર ચાલી ગયેલી ત્રણ એમ્બ્યુલન્સ ચાલુ છે જયારે 10 શબવાહિનીની જરૂરિયાત સામે 1 શબવાહિની અને એક અડધીયુ છોટા હાથી છે. સાંસદ રામભાઇ મોકરીયા અને કોટક મહિન્દ્રાએ આપેલી એક આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ છે.
સામે ત્રણ એમ્બ્યુલન્સ બે વર્ષથી બંધ પડી છે અને એક એમ્બ્યુલન્સ પાંચ મહીનાથી રિપેરીંગ માટે ગેરેજમાં પડી છે. આ સિવાય ‘ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો’ કહેવત મુજબ સિવિલ હોસ્પીટલ તંત્રએ એક એમ્બ્યુલન્સ રેડક્રોસવાળાને અને એક એમ્બ્યુલન્સ બાનું ઘર વૃધ્ધાશ્રમને લોન ઉપર આપી છે.
રાજય સરકારના પ્રધાનો, રાજકોટના સાંસદો અને ધારાસભ્યો છાસવારે સિવિલ હોસ્પીટલની મુલાકાત લેવા જાય છે અને સ્ટાફને ડારા-ડફારા આપતા ફોટા પડાવી લોકોની વાહવાહી મેળવવા મીડીયામાં પ્રસિધ્ધ કરાવે છે. પરંતુ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદ સમાન એમ્બ્યુલન્સ સહીતના સાધનોની ઘટ અંગે કયારેય બોલતા નથી.
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, સિવિલ હોસ્પીટલમાં પાર્કીંગ માટે પીઆઇયુ પાસે લાંબા સમયથી જગ્યાની માંગણી કરવામાં આવી છે પણ ‘સાહેબો’ જવાબ આપતા નથી જેના કારણે સિવિલ હોસ્પીટલની એમ્બ્યુલન્સો રોડ ઉપર પાર્ક કરવી પડે છે.
સિવિલ હોસ્પીટલમાં અપુરતી એમ્બ્યુલન્સ રાખવા પાછળ મોટો ખેલ ચાલી રહ્યો છે. ગરીબ દર્દીઓ માટે સરકારી એમ્બ્યુલન્સનો પ્રતિ કી.મી.નો ચાર્જ રૂા.બે છેે જયારે ખાનગી એમ્બ્યુલન્સવાળા આજ ‘સેવા’ માટે પ્રતિ કી.મી. રૂા.10નો ભાવ લુંટ છે. સિવિલ હોસ્પીટલમાં દૈનિક ઇન્ડોર- આઉટડોર 4000થી 4500 દર્દીઓ સામે માત્ર 3 એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહીની જ હોવાથી ભાગ્યે જ કોઇ દર્દીના ભાગે સરકારી એમ્બ્યુલન્સ આવે છે. 3માંથી એક એમ્બ્યુલન્સ તો વીવીઆઇપી રાજકોટની મુલાકાતે આવે તેની સેવામાં જ ફાળવી દેવામાં આવે છે.
આ રીતે ગરીબ દર્દીઓને સરકારી એમ્બ્યુલન્સની સેવાથી દુર રાખી ખાનગી ધંધાર્થીઓને ખટાવવાનો વ્યવસ્થિત ખેલ સિવિલ હોસ્પીટલમાં ચાલી રહ્યો છે. પરંતુ સરકાર કે સ્થાનિક નેતાઓ આ બાબતે મૌન ધારણ કરીને બેઠા છે.