18 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટ સફળ
13 હજારથી વધુ તાલીમ પામેલા નાગરિકો અને 10 હજાર સિવિલ ડિફેન્સ સ્ટાફ જોડાયો, ગૃહરાજ્યમંત્રીએ સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોએ રાષ્ટ્ર સુરક્ષાની દિશામાં ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો. મોકડ્રિલની પૂર્વ તૈયારીના ભાગરૂૂપે તમામ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24 કલાક હોટલાઈન અને સેટેલાઈટ ફોન કાર્યરત કરવામાં આવ્યા હતા. ગત સાંજે 04:00 કલાકે રાજ્યના 18 જિલ્લાના કુલ 74 સ્થળોએ સુરક્ષાના ભાગરૂૂપે સાયરન વાગ્યા બાદ મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં 13,069 તાલીમ પામેલા નાગરિકો અને 10,000 જેટલા સિવિલ ડિફેન્સ સ્ટાફે સક્રિયપણે ભાગ લીધો હતો. આ સ્થળોમાં કાકરાપાર અણુ મથક અને ગીફ્ટ સીટી જેવા મહત્વપૂર્ણ સ્થળોનો પણ સમાવેશ થતો હતો.
આ તમામ જિલ્લાઓમાં ઈનકમિંગ એર રેડ, બિલ્ડિંગમાં આગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન, ક્ષતિગ્રસ્ત ઇમારતોમાંથી જાનહાનિને બહાર કાઢવી, કામચલાઉ હોસ્પિટલની સ્થાપના અને જોખમી વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવા જેવી છ જુદી જુદી પરિસ્થિતિઓ દરમિયાન કામગીરીનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોષીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજીને મોકડ્રિલનું વર્ચ્યુઅલ નિદર્શન નિહાળ્યું હતું અને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી. મોકડ્રિલની કામગીરીનું મોનિટરિંગ કરવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમોની રચના કરવામાં આવી હતી, જે જિલ્લાઓ અને ભારત સરકારના ગૃહ મંત્રાલય વચ્ચે સંકલનનું કાર્ય કરી રહી હતી.
આ મોકડ્રિલના ભાગરૂૂપે ગત સાંજે 07:30 થી 09:00 કલાક દરમિયાન રાજ્યભરમાં બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે વિવિધ માધ્યમો દ્વારા નાગરિકોને સજાગ રહેવા અને કોઈપણ ભય કે ગેરસમજથી દૂર રહેવા સમજાવવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટના સફળ આયોજન દ્વારા રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે તંત્રની તૈયારીઓ અને સ્વયં નાગરિકોની જાગરૂૂકતાને મજબૂત કરવાનો ઉદ્દેશ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
અમદાવાદમાં બ્લેક આઉટ જાણે મજાક હોય તે પ્રકારે લેવામાં આવ્યું હતું. જેમ જેમ વિસ્તાર સંપત્તીવાન તેમ તેમ ત્યાં ઝગમગાટ વધારે જોવા મળ્યો હતો. ભણેલા ગણેલા અભણ લોકોએ દેશની સુરક્ષા જેવી બાબતોની આમાન્યા પણ રાખી નહોતી. મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો સિવાય તમામ લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કે લોકોએ બ્લોકની કોમન લાઇટો પણ બંધ કરવાનું મુનસીબ સમજ્યું નહોતું. ઘરની લાઇટો તો ઠીક પરંતુ સોસાયટીની કોમન લાઇટો પણ બંધ કરવી યોગ્ય લાગી નહોતી. મોટી મોટી હોટલો અને મોટા મોટા સ્ટોરની લાઇટો પણ યથાવત્ત જ ચાલું જોવા મળી હતી. સરકાર દ્વારા જાણે જે મજાક કરવા માટે આદેશ અપાયા હોય તે પ્રકારે વેપારીઓ અને મોટા ઉદ્યોગગૃહોના માલિકો આદેશને ઘોળીને પી ગયા હતા. કોઇ પણ પ્રકારની લાઇટોના નિર્દેશોનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. અમદાવાદનાં પોલીસ અને વહીવટી તંત્ર પણ સંપુર્ણ પણે નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસ દ્વારા પણ કોઇ જગ્યાએ પેટ્રોલિંગ કે લાઇટો બંધ કરાવતી જોવા મળી નહોતી.