સાધના કોલોનીમાં થયેલી ઘરફોડીના તસ્કરને ઝડપી લેતી સિટી એ પોલીસ
રૂા.50,450નો મુદ્દામાલ કબજે કરાયો
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા યુવાનના ઘરે કોઇ તસ્કરોએ ત્રાટકીને તેના ઘરમાંથી સોનાની ચીજવસ્તુઓ તથા રોકડ મળી રૂા. 48 હજારની ચોરી કરી લઈ જતાં પોલીસ ફરિયાદ થવા પામી હતી. જોકે, પોલીસે તાત્કાલિક આ અંગે પગલા ભરી ચોરીમાં સંડોવાયેલા શખસને મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગર શહેરના સાધના કોલોની જલારામ મંદિર પાસે બ્લોક નં. એલ- 44માં રહેતા અને દરજી કામ કરતા અતુલ વિનોદભાઈ સોલંકી નામના યુવાનના ઘરે બપોરના સમયે તસ્કરો ત્રાટકીને બાથરૂમની બારી તોડી મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટમાં રાખેલા સોનાની ચીજવસ્તુઓ તથા રોકડ રૂા. 1 હજાર મળી રૂા. 48 હજારની ચોરી કરી લઈ જતાં પોલીસ ફરિયાદ થવા પામી હતી.
આ પરથી સીટી-એ પોલીસે તપાસ હાથ ધરી બાતમીદારોને કામે લગાડતા પોલીસકર્મી શૈલેષ ખાખરીયા, હિતેષ સાગઠીયા અને રાજેન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી કે, ચોરીમાં સંડોવાયેલ ઇસમ સોના-ચાંદીના દાગીના સાથે ચાંદીબજાર પાસે આટાફેરા મારે છે. જેથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોચી જઈ તપાસ કરતા પરેશ ઉર્ફે દુબડો બેચરભાઈ સોલંકી મળી આવ્યો હતો. જેની અંગજડતી કરતા તેની પાસેથી સોનાની કળી એક જોડી રૂા. 13400, સોનાના મોર ડિઝાઈનની વીટી રૂા. 10750, સોનાની બુટી - રૂા. 8400, પાટલા ઉપરની સોનાની પટ્ટીના - ટુકડા રૂા. 12600, સોનાનો લાલ પાનવાળો 1- ઓમકાર રૂા. 2400, સોનાનો દાણો રૂા. 1900 મળી કુલ રૂા. 49,450 તથા રોકડ રૂા. 1 હજાર તુ મળી રૂા. 50,450ના મુદ્દામાલ સાથે તેની 1 અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.