માવઠાની નુકસાનીનો સરવે કરવા પરિપત્ર જાહેર
ડિજિટલ સરવે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સરવે નંબર વાઇઝ રીપોર્ટ 7 દિવસમાં ખેતી નિયામકે કલેક્ટરને આપવાનો રહેશે
છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા અને તૈયાર પાકને ભારે નુકસાન થયુ છે.
ત્યારે આ નુકસાનીમાંથી ખેડૂતોને બેઠા કરવા માટે ઠેર-ઠેરથી સહાયની માંગણી સરકાર સામે આવી રહી હતી. જેના પગલે સરકારે કેબિનેટની બેઠકમાં નુકસાનીના સર્વે અંગેના મંજૂરી આપી હતી અને સાત દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા તંત્રને તાકીદ કરી હતી. જેના ભાગરૂપે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા આજે પાક નુકસાની અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા માવઠાના કારણે મોટાપાયે ખેતી પાકને નુકસાની થઇ હોવાથી ખેડૂતોને સહાય ચૂકવવામાં માટે સરકારે નુકસાનીનો સર્વે કરવાની મંજૂરી આપ્યા બાદ આજે ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ સર્વેની કામગીરી તાત્કાલીક શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદ અને વાવાઝોડના કારણે પાક નુકસાન અંગેના અહેવાલ જિલ્લા તંત્ર પાસેથી મેળવી ખેતી નિયામકે સેટેલાઇટ ઇમેજ આધારીત સર્વે હાથ ધરવાનો રહેશે.
ડિજિટલ સર્વે માટે સર્વેની ટીમોમાં ગ્રામસેવકો અથવા અન્ય સર્વેયરોની મદદ લઇ જિલ્લા કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત ગામડાઓ નક્કી કરવાના રહેશે.
આ કામગીરી માટે અસરગ્રસ્ત સર્વે નંબરના ફોટા જિઓટેગિંગ સાથે કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરવાના રહેશ. આ કામગીરી માટે ખેતર વાઇઝ 25 રૂપિયા સુધી ચૂકવી શકાશે. ગામના ડિજિટલ સર્વેની કામગીરીનું સુપરવિઝન જેતે ગામના ગ્રામસેવક અથવા ખેતી મદદનીશએ કરવાની રહેશે. ઉપરની કામગીરી પૂર્ણ કરી આ સર્વેના આધારે કૃષિ પ્રગતિ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર માફતે આ ડિજિટલ સર્વે તથા સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સર્વે વાઇઝ રીપોર્ટ સાત દિવસમાં ખેતી નિયામકે મેળવી, ચકાસણી કરી જિલ્લા કલેક્ટરને સોંપવાનો રહેશે.
ખેતી નિયામકે જિલ્લા કલેક્ટરોે પાસેથી આ રિપોર્ટ મેળવી પોતાના મતંવ્યની સાથે રાજ્ય સરકારે રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો પોતે પણ પાક નુકસાની અંગેના ફોટો અને વિગતો કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરી શકશે.
માવઠાથી 10 લાખ હેકટરમાં પાકનું ધોવાણ
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થયુ રહ્યું છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે, અને હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરાશે. પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે અને અંદાજે 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પામ્યો છે. ઘણા વર્ષો બાદ આ સમયે માવઠું થયું છે.
