જામનગર BAPS સંસ્થાના બાળકોએ સર્જ્યો અનોખો ઈતિહાસ
15,666 બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્ર્લોકો મુખપાઠ કરી પરંપરાને જીવંત કરી બતાવી
સત્સંગદીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જે મહાન સંતવિભૂતિ મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોના સારરૂૂપે 315 શ્ર્લોકોમાં પ્રસ્તુત કર્યો છે. સદાચાર, વ્યસનમુક્તિ, પ્રામાણિકતા અને ચારિત્ર્ય વગેરે નૈતિક મૂલ્યો, ભક્તિ-સત્સંગ-સદ્વાંચન વગેરે આધ્યાત્મિક મૂલ્યો, ભેદભાવ વિના સર્વજન સમ-આદર, સર્વધર્મ સમ-આદર, રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ પ્રેરણાઓ આ ગ્રંથ દ્વારા તેઓએ જન સામાન્યમાં સિંચવાનો પુરુષાર્થ કર્યો છે.
લાખો લોકો પોતાના નિત્ય પ્રાત:ક્રમમાં આ સત્સંગદીક્ષા ગ્રંથનો પાઠ કરે છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પે 15,000 કરતાં વધારે બાળકોએ આ ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો છે અને વધુ 25,000 જેટલાં બાળ-બાલિકાઓ આ મુખપાઠના મહાન યજ્ઞમાં જોડાયા છે.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના એ સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી 8500 થી અધિક બાળ બાલિકા સેન્ટરના 17,500 થી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકર્તાઓએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરુ કર્યું. આજે 1 વર્ષ બાદ કુલ 15,666 બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્ર્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સંભવત: આ એક વિશ્વવિક્રમ છે કે જેમાં 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના 15000 થી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે.
આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. ઘણા બાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્ર્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો. વાલીઓ બાળકોના અભ્યાસની સાથે સમયની અનુકુળતા કરી, બાળકોને મુખપાઠ કરાવતા. આ સમગ્ર મુખપાઠ દરમિયાન વાલીઓને બાળકોમાં રહેલ પ્રતિભાનો પરિચય થયો હતો. વાલીઓએ એ પણ અનુભવ્યું હતું કે, મુખપાઠ કરવાથી બાળકોના અભ્યાસમાં પણ પ્રગતિ જોવા મળી હતી. મુખપાઠ દરમિયાન ઘણા બાળકોએ શારીરિક તકલીફોની વચ્ચે, સારા-નરસા પ્રસંગોની વચ્ચે પણ દ્રઢતાપૂર્વક, ગુરુને રાજી કરવાની ભાવનાથી મુખપાઠ પૂર્ણ કર્યો હતો. બાળકોની આવી ધગશ અને મહેનત જોઈ, કાર્યકરો અને વાલીઓએ પોતાની હથેળી અને સુશોભિત વસ્ત્રો પર બાળકોના પગલા પડાવી અભિવાદિત કર્યા હતા. બાળકોને મુખપાઠ પૂર્ણ થયા બાદ વિવિધ ઈનામો પણ અપાયાં હતાં.
આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જામનગર ખાતે તારીખ 28 ઓક્ટોબર, મંગળવારના રોજ બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ નસત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞથનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને સજીવન કરનાર કુલ 147 જેટલા બાળ બાલિકાઓ આ વૈદિક હોમાત્મક યજ્ઞમાં જોડાયાં હતાં.
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ 15,666 બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ નમિશન રાજીપો અભિવાદન મહોત્સવથ તા.29 ઓક્ટોબર, બુધવારે સાંજે 6:30 વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાશે, જેમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના ઘરેથી જ એમના માતા-પિતા, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો અને પાડોશીઓ સાથે જોડાશે. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ રીતે અભિવાદન કરશે. આ સમગ્ર મુખપાઠ આયોજનમાં બી.એ.પી.એસ. સંસ્થાના બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો, સ્થાનિક બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂજ્ય ભગવતસેતુ સ્વામી અને બાળ કાર્યકરોની ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે.
