ખંભાળિયાની જાણીતી ગ્રામ્ય શાળામાં બાળકોએ પરંપરાગત હોળી, ધુળેટી પર્વની મોજ માણી
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ શાળા ખાતે આજરોજ બાળકોએ હોળી તેમજ ધુળેટી પર્વની પરંપરાગત માહોલમાં ઉજવણી કરી હતી.ખંભાળિયા નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તાર સ્થિત ધી પ્રેસિડેન્ટ સ્કૂલના બાળકો માટે આજે શાળાના સંચાલકો દ્વારા પરંપરાગત રીતે મનાવાતી હોળી તેમજ ધુળેટીના આ આયોજનમાં હુતાસણી પર્વે ભારતની પ્રાચીન સંસ્કૃતિ તેમજ આસ્થાથી વાકેફ કરી તમામ બાળકોને હોળીમાં હોમવા માટે પ્રસાદી રૂપે છાણા આપવામાં આવ્યા હતા અને હોળી સાથે સંકળાયેલી બાબતોને રજુ કરવામાં આવી હતી.
આ પછી બાળકોએ સંગીત સભર માહોલમાં હોલી સોંગ પર સુંદર ડાન્સ કરી અને કલર, ગુબારા, પાણી, વિગેરેથી હોળીના કલરની રમઝટ બોલાવી હતી. આ શાળાના પ્રિન્સિપાલ શ્રી ચંદુભાઈએ તમામ બાળકોને ચોકલેટ અને ઠંડા પીણા આપીને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આમ, આસ્થા સાથેના સંગીતમય માહોલ વચ્ચે બાળકોના કલરવએ સૌને આકર્ષિત કર્યા હતા.