રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા બાળકો-મુસાફરો પાણી વગર પરેશાન
રાજકોટ-વેરાવળ રૂૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી. ટ્રેન શરૂૂ ન થતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રેલવે વિભાગના બેદરકાર વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, રાત્રે અંદાજિત 9 વાગ્યે ટ્રેન શાપુર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, કલાકો વીતવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ખામી દૂર કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ન કરાતા મુસાફરો હેરાન-પરેશાન થયા હતાં.
રાજકોટથી મુસાફરી કરતા કિશોરભાઈ જીયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ કલાકથી અહીં ટ્રેનમાં ખામી સર્જાઈ છે. મુસાફરો, ખાસ કરીને નાના બાળકો, ખૂબ જ હેરાન થયા હતાં. ટ્રેન સંચાલક દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. કેશોદ જવા માટે પરિવાર સાથે મુસાફરી કરી રહેલા વજુભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક કલાકથી અહીં શાહપુર ખાતે ટ્રેન બંધ પડી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અમને આશા હતી કે ઇલેક્ટ્રોનિક એન્જિન આવ્યા પછી ટ્રેનની સેવા ઝડપી બનશે, પરંતુ હાલ એવી જગ્યાએ ટ્રેન બંધ થઈ છે કે જ્યાં બાળકોને પીવા માટે પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. મુસાફરોનો આક્ષેપ છે કે, કટોકટીની આ સ્થિતિમાં રેલવે તંત્ર દ્વારા મુસાફરોને કોઈ સહકાર કે પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી.