જામનગર નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા બાળક પર વ્હિલ ફરી વળ્યુ
જામનગર નજીક ઘુતારપર ગામ પાસે કપાસ વિણવાની મજૂરી કામ કરવા જઈ રહેલા એક પરિવારનો પાંચ વર્ષનો બાળક અકસ્માતે ટ્રેક્ટર માંથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ટ્રેક્ટરનું વ્હીલ માથા પરથી ફરી વળતાં ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ ભરૂૂચ જિલ્લાના વતની કમલેશભાઈ મનુભાઈ વાઘેલા તથા તેમના પરિવારના બાળકો સહિતના અન્ય સભ્યો એક ટ્રેક્ટર માં બેસીને નજીકમાં જ આવેલી એક વાડીમાં કપાસ વીણવાનું કામ કરવા માટે જઈ રહ્યા હતા.
કમલેશભાઈ ના પરિવારના 8 જેટલા સભ્યો હતા, તેમજ અન્ય શ્રમિક પણ ટ્રેક્ટરમાં સાથે બેઠા હતા.
જેઓ ઘુતારપર વિસ્તારના વતની હરેશભાઈ પટેલ ના જી.જે. 10 ડી.એ. 1915 નંબરના ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં ખાડો આવ્યો હોવાથી ટ્રેક્ટર ફૂલ સ્પીડમાં હોવાના કારણે ટ્રેક્ટર ની અંદર બેઠેલો કમલેશભાઈ નો પાંચ વર્ષનો પુત્ર મયુર (ઉ.વ.5) કે જે ઉછળીને નીચે પટકાયો હતો. એટલૂજ માત્ર નહીં ટ્રેક્ટરનું પાછલું તોતિંગ વહીલ તેના ઉપરથી ફરી વળ્યું હતું, અને ખોપડી ફાટી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.