સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ
મોરબીનો બાળક દાઝી જતાં સારવારમાં ખસેડાયો ત્યારે સ્થિતિ સામાન્ય હતી, બાટલો ચડાવ્યા બાદ તબીયત લથડતાં દમ તોડ્યો
નર્સિંગ સ્ટાફને ઈન્જેકશન કયા લગાવવું તે જ ખબર ન હતી : આરએમઓ દ્વારા તપાસના આદેશ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદને લઈ ચર્ચામાં રહેતી હોય છે સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીના કારણે પરિવારજનોના મૃત્યુ થયા હોવાના આક્ષેપો અવારનવાર પરિવારજનો દ્વારા કરવામાં આવે છે ત્યારે વધુ એક બનાવમાં ડોકટર અને નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે દોઢ વર્ષના બાળકનું મોત થયાનું આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. મોરબીમાં રહેતાં પરિવારનો દોઢ વર્ષનો બાળક દાઝી જતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જો કે જ્યારે દાખલ કર્યો ત્યારે તેની તબિયત સારી હતી. બાદમાં બાટલો ચડાવ્યા બાદ તબિયત લથડતાં તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોના આક્ષેપ બાદ આર.એમ.ઓ.દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં શોભેશ્ર્વર રોડ પર મફતીયાપરામાં રહેતા ગોવિંદભાઈ ગમારાનો દોઢ વર્ષનો પુત્ર શિવમ ગત તા.18નાં રાત્રીનાં સમયે ગરમ પાણીના તપેલામાં પડી જતાં દાઝી ગયો હતો. જેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન તા.23નાં મોત નિપજ્યું હતું. પરિવારજનો દ્વારા ડોકટર અને નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે પુત્રને ખોવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે. પુત્રના મોતથી પરિવારજનોમાં ભારે ગમગીની સાથે સિવિલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો સાથે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બાળકની સ્થિતિ દાખલ કરતી વખતે સામાન્ય હતી, પરંતુ સારવાર દરમિયાન જ્યારે બાળકને બાટલો ચડાવવામાં આવ્યો ત્યારે અચાનક જ તેની તબિયત લથડી હતી.
બાળકની સ્થિતિ બગડતા તેના પિતા ગોવિંદભાઈ ગમારાએ ત્યાં હાજર તબીબ અને સ્ટાફને પૂછપરછ કરી હતી. ત્યારે સ્ટાફ દ્વારા ખૂબ ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો. એટલું જ નહીં સૌથી વધુ ગંભીર બેદરકારી સામે આવી કે એક નર્સે દર્દીના પિતાને પૂછ્યું કે, બાળકને કઈ જગ્યાએ ઇન્જેક્શન લગાવવું? આ ઘટનાએ હોસ્પિટલમાં ભરતી થયેલા સ્ટાફની યોગ્યતા પર મોટો સવાલ ઉભો કર્યો છે, અને લોકો પૂછી રહ્યા છે કે શું હોસ્પિટલમાં અભણ નર્સની ભરતી કરવામાં આવી છે?
સમગ્ર મામલો ગરમાયા બાદ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.દૂસરાએ આ બનાવ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ બનાવને લઈને તાત્કાલિક તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. અને નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવશે. સ્ટાફ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોય તો તે ખૂબ જ ગેરવ્યાજબી કહેવાય, અને જવાબદારો સામે દાખલારૂૂપ કાર્યવાહી કરવામાં આવશે. દર્દીઓ સાથે ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ ગેરવર્તન ન કરે તે માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવશે.
સુદામડા ગામની પરિણીતાનું પણ તબીબી બેદરકારીથી મોત
સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતી કમળાબેન વિપુલભાઈ સારેસા (ઉ.25) નામની પરિણીતાને ગત તા.24નાં રોજ શ્ર્વાસની બિમારી સબબ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિણીતાને દાખલ કરી ત્યારે સ્થિતિ સામાન્ય હતી ત્યારબાદ તબીબો દ્વારા મોંઢામાં અડધી નળી ફીટ કરી જતાં રહ્યા હતાં જેથી તેમના પતિ દ્વારા તબીબોને બોલાવવામાં આવતાં 20-25 મીનીટ જેટલો સમય થવા છતાં તબીબ આવ્યા ન હતાં. બાદમાં મહિલાના પતિ દ્વારા તબીબનો હાથ પકડી તેમને લવાયા હતાં. જો કે તબીબને આવવામાં મોઢુ થઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનો દ્વારા તબીબી બેદરકારીના કારણે તેમના સ્વજનનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.