તલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોત
તાલાલાના નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રહેતો 8 વર્ષીય બાળક પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ રોડ પર જતા બાળક દોડીને બોલ લેવા ગયો હતો. ત્યારે છોટા હાથી વાહને તેને ટક્કર મારતા મોત નિપજયું હતું. બનાવના પગલે અરેરાટી વ્યાપી છે. તાલાલા શહેરમાં નવા બસ સ્ટેન્ડ આગળ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા પરસોતમભાઈ ભીમજીભાઈ ગોહીલનાં આઠ વર્ષીય પુત્ર મનન નવા બસ સ્ટેન્ડ આગળ ક્રિકેટ રમતી વખતે બોલ રોડ ઉપર આવતા બોલ લેવા દોડયો હતો. આ દરમ્યાન તાલાલાથી ધુંસિયા ગીર તરફ પુરઝડપે જતા છોટાહાથી વાહને તેનેે હડફેટે લેતા કરૂૂણ મૃત્યુ નિપજયું હતું. મનન અને મર્થન બંને જુડવા ભાઈઓ ક્રિકેટ રમત હતા ત્યારે બનાવ બન્યો હતો. બાળકનાં પિતાની ફરિયાદ લઈ પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો દાખલ કરી પી.આઈ. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુરના નવા ગઢકામાં થ્રેસર મશીન હેઠળ વૃધ્ધ દબાઇ જતાં મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નવા ગઢકા ગામે રહેતા મોહનભાઈ રણમલભાઈ પરમાર નામના 60 વર્ષના વૃદ્ધ થોડા સમય પૂર્વે તેમના ખેતરે થ્રેસર મશીન રીપેર કરી રહ્યા હતા, ત્યારે અકસ્માતે થ્રેસર મશીન માથે પડતા તેઓ દબાઈ ગયા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ગોરધનભાઈ રણમલભાઈ પરમાર (ઉ.વ. 61) એ કલ્યાણપુર પોલીસને કરી છે.