મુખ્યમંત્રી જામનગર-દ્વારકા-પોરબંદર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
અસરગ્રસ્તોને રૂબરૂ મળી અધિકારીઓ સાથે બેઠક યોજી
સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા અને જામનગર તેમજ પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની અસર થઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આભ ફાટયું હોય તેમ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. તેમજ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ તથા અન્ય સચિવો સહિતના અધિકારીઓ જોડાયા હતાં.
સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળતા અનેક તાલુકાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તાર જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાની થઈ છે અને અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. અતિભારે વરસાદ બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના તાલુકાઓનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે 4 વાગ્યે ખાસ પ્લેન મારફતે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. જ્યાંથી એરફોર્સના હેલિકોપ્ટરમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર તેમજ પોરબંદર જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાના ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી સાંજે પરત જામનગર પહોંચ્યા હતાં અને આ બાબતે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વહીવટી તંત્ર તેમજ સચિવો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભારે વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અનેક વિસ્તારોમાં તરાજી સર્જાઈ છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદને કારણે થયેલ નુકસાન તેમજ ખેડૂતોને થયેલ પાક નુકસાન બાબતે સમીક્ષા બેઠક યોજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની જીણવટપૂર્વકની વિગતો મેળવી હતી.