કુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યો
કારમાંથી અચાનક ઉતરી ખેડૂતોને મળવા દોડી જતાં સુરક્ષા સ્ટાફમાં દોડધામ મચી ગઇ
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સિક્સલેનના કામમાં છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા ગામ પાસે અધુરા પડેલા ઓવરબ્રિજ નજીક એકઠા થયેલા ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકી દીધો હતો અને કાર નીચે ઉતરી રોડ ઉપર સ્વાગત માટે ઉભેલા ખેડૂતોને મળી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
જાણકાર સૂત્રોનું કહેવુ છે કે, મુખ્યમંત્રીને આવકારતા પ્લેકાર્ડ લઇને ખેડૂતો કુવાડવા ચોકડીએ વર્ષોથી અટકી પડેલા ઓવરબ્રિજથી થોડે દૂર ઉભા હતા તે સૂચક મનાય છે. આ ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી અટકી ગયું હોવાથી વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. તેથી મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા આ કાર્યક્રમ કુવાડવા ચોકડી નજીક યોજાયો હોવાનું મનાય છે.
કુવાડવા ચોકડીએ સર્વિસ રોડની બાજુમાં ઉભેલા ખેડૂતોને જોઇને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અચાનક અટકાવી દીધો હતો. અને ખેડૂતોના સમૂહને મળવા માટે તેઓ સ્વયં તેમની પાસે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ સત્તાવાર કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન, હીરાસર એરપોર્ટ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો ઉભા હતા. મુખ્યમંત્રીની નજર ખેડૂતોના આ સમૂહ પર પડતાં, તેમણે તુરંત જ સુરક્ષા પ્રોટોકોલની પરવાહ કર્યા વિના પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો હતો. કાફલો અચાનક ઉભો રહેતા સુરક્ષામાં તૈનાત પોલીસ અને સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી.
મુખ્યમંત્રી પટેલે પોતાના વાહનમાંથી નીચે ઉતરીને રસ્તા પર ઉભેલા ખેડૂતો અને લોકોનું હસીને અભિવાદન જીલ્યું હતું.
તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. મુખ્યમંત્રીએ લોકો સાથે સંવાદ સાધીને તેમની લાગણીઓને માન આપ્યું હતું. લોકો પણ અચાનક મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને આનંદ અને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા પ્રોટોકોલ તોડીને સામાન્ય નાગરિકોને મળવાના આ પગલાને લોકોએ સરાહનીય ગણાવ્યું હતું. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીનો કાફલો પોતાના નિર્ધારિત સ્થળ તરફ આગળ વધ્યો હતો.