રાજકોટની ‘20 વર્ષની વિકાસ ગાથા’ પ્રદર્શન ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી
રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટની ડો. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ‘રાઈઝિંગ રાજકોટ’ની થીમ સાથે શહેરના 20 વર્ષના વિકાસની યશગાથા વર્ણવતા પ્રદર્શન એકમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજકોટના અતિત, આગત અને અનાગતના ભવ્ય વિકાસના પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શન 22/12/2025 સુધી નિ:શુલ્ક નિહાળી શકાશે.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ ‘રાઈઝિંગ રાજકોટ’ની થીમ હેઠળ રાજકોટ શહેરના 20 વર્ષના વિકાસની તસવીરી ઝલક સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ સાથેના સંસ્મરણો, કલા અને સાહિત્ય ક્ષેત્રે રાજકોટનું અનેરું પ્રદાન, પાણીના સ્વાવલંબન ક્ષેત્રે કરેલી જળક્રાંતિ, ઉદ્યોગ જગતમાં રાજકોટનો અમૂલ્ય ફાળો દર્શાવતા ઔદ્યોગિક એકમોની મશીનરીના વર્કિંગ મોડલ, વડાપ્રધાનશ્રી દ્વારા લિખિત પુસ્તકોની ઝાંખી, વર્ષ 2006થી લઈને વર્ષ 2025 સુધીના અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોડલ સહિત જિલ્લાની વિકાસ યાત્રાને નિહાળીને રસપ્રદ માહિતી મેળવી હતી. વધુમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાએ મુખ્યમંત્રીશ્રીને દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોક કલ્યાણ કાર્યોના વિચારબીજ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ રાજકોટ જિલ્લાએ અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. તેમજ વડાપ્રધાનશ્રી દ્વારા લખાયેલા અને રાજકોટ ખાતેથી વિમોચન થયેલા ‘જ્યોતિ પુંજ’ પુસ્તકમાંથી જનસેવા માટેના વિચારોને આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી.