રવિવારે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ બનશે ખોડલધામ ટ્રસ્ટના મહેમાન
ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારો બાદ ખોડલધામ કાગવડ ખાતે આગામી રવિવારે મોટો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આગામી તા.7ને રવિવારના રોજ ખોડલધામ મંદિર કાગવડ ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા ઉપરાંત લેઉવા પટેલ સમાજના મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
રવિવારે સવારે 8-30 વાગ્યે ખોડલધામ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ અંગે સમાજના શ્રેષ્ઠીઓ- ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય- સામાજીક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ખોડલધામના દર્શને આવ્યા હતા. ત્યારબાદ આગામી રવિવારે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ લેઉવા પટેલ પ્રધાનો પણ ખોડલધામના સાનિધ્યમાં આવી રહ્યા છે જે સુચક માનવામાં આવે છે.