સ્પા-મસાજ પાર્લરમાં એસઓજીનું ચેકિંગ : છ સંચાલકો સામે ગુના
પાર્લરમાં પરપ્રાંતીય યુવતીઓને નોકરીએ રાખી પોલીસને જાણ નહીં કરનાર સામે કાર્યવાહી
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા સ્પા અને મસાજ પાર્લરમાં એસઓજીની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું. જેમાં સ્પામાં નોકરી કરતી પરપ્રાંતિય યુવતીઓ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરનાર છ સ્પા સંચાલક સામે અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.
એસઓજીના પીઆઈ જે.એમ.કૈલા અને તેમની ટીમે શહેરમાં અલગ અલગ સ્પામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું. શહેર વિસ્તારમાં આવેલા સ્પા અને મસાજ પાર્લરમાં નસીલા દ્રવ્યોનું સેવન તેમજ દેહ વ્યાપાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય જેને લઈને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી ચેકીંગ કરવામાં આવ્યું હતું અને સ્પા તેમજ મસાજ પાર્લરમાં કામ કરતાં કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સહિતની સંપૂર્ણ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપી પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કર્ાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રામાપીર ચોકડી પાસે રહેતા એન.વાય.એકસ સ્પાના સંચાલક કૌશિક રમણીક વાઘેલા, પી.ડી.એમ.ફાટક પાસે રહેતા ઓરી વેલ્નેસ સ્પાના સંચાલક યશ મહેશ ધ્રાંગધરીયા, એરપોર્ટ રોડ પર રહેતા ગંગા સ્પાના આદિત્ય જગદીશ કાલરીયા,ગુજરી બજાર મેઈન રોડ પર રહેતા ધ વેલકમ વેલનેસ સ્પાના સંચાલક વિશાલ નરેન્દ્ર મહેતા, પુજારા પ્લોટમાં રહેતા સેવન ડે સ્પાના માલિક ગંગારામ રાજુભાઈ ઠાકુર અને રૈયાધાર સ્લમ કવાર્ટર પાછળ રહેતા અને ટ્રુ વેલનેસ સ્પાના સંચાલક રમેશ વિહા કોહલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.