થર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયા
ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઇવમાં લાઇસન્સ વગરના, ફેન્સી નંબર પ્લેટ વાળા 245 વાહનચાલકો પોલીસની ઝપટે ચડ્યા
થર્ટી ફર્સ્ટ એટલે ડિસેમ્બર મહીનાનો છેલ્લા દિવસ અને આ જુના વર્ષનો અંતિમ દિવસ તેમજ રાત્રે 1ર વાગ્યે નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો રસ્તા પર આવી જાય છે અને ફાર્મ હાઉસ તેમજ હોટલમા રૂમ ભાડે રાખી દારૂ પાર્ટી કરતા હોય છે. નવા વર્ષે પાર્ટી કરી ઉજવણીની પરંપરા ઝડવાય રહે પરંતુ આ પાર્ટીઓ કાયદામા રહીને કરવી હિતાવહ છે. એટલા માટે લોકો શાંતિપુર્ણ માહોલમા નવા વર્ષની ઉજવણી કરી શકે તેના માટે રાજકોટ શહેર પોલીસ એકશન મોડમા આવી ગઇ છે. તેમજ શહેરમા અલગ અલગ 30 થી વધુ પોઇન્ટ પર ટ્રાફીક પોલીસ અને સ્થાનીક પોલીસ દ્વારા રાત્રે પીધેલાઓને પકડવા અને વગર કારણે આંટાફેરા કરતા શખ્સોને પકડી લેવા ખાસ ચેકીંગ ડ્રાઇવ કરવામા આવી રહી છે.
રાજકોટ શહેરના કિશાનપરા ચોક, કોટેચા ચોક, કોસ્મો ચોકડી, ગુંદાવાડી, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયા વાડી સર્કલ, ઘંટેશ્ર્વર અને માધાપર ચોકડી તેમજ બેડી ચોકડી તરફ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત સુધી શંકાસ્પદ લાગતા વાહનોનુ ચેકીંગ કરવામા આવી રહયુ છે. તેમજ બ્રેથએનેલાઇઝર દ્વારા પીધેલાઓને પકડવા પણ આયોજન કરવામા આવ્યુ છે. ત્યારે ગઇકાલે અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમોએ ર7 થી વધુ પીધેલાઓને પકડી લોકઅપ ભેગા કર્યા હતા અને આ ચેકીંગ ડ્રાઇવમા 7 જેટલા લોકો છરી અને તલવાર સાથે પકડાયા હતા. ત્યારે રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે થર્ટી ફર્સ્ટની શાંતિપુર્વક ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્તની યોજના ઘડવામા આવી છે. જેમા મોટી સંખ્યામા કર્મચારીઓને જવાબદારી સોંપવામા આવી છે. નશામા વાહન ચલાવતા લોકોને રોકવા માટે ચેક પોસ્ટ તેમજ મહીલાઓની સુરક્ષા અને ગેરકાયદે પ્રવૃતીઓને અટકાવવા અલગ અલગ ટીમોને કામ સોપાય ગયુ છે. તેમજ રાજકોટ શહેરની એન્ટ્રી તેમજ એકઝીટ પોઇન્ટ પર વાહન ચાલકો પર નજર રાખવા પોલીસને ગોઠવી દીધી હોવાનુ જણાવ્યુ હતુ.
દારૂની હેરાફેરી અટકાવવા ગુજરાતને જોડતી સરહદો પર તમામ વાહનોનું ખાસ ચેકિંગ
થર્ટી ફર્સ્ટની ઉજવણી હવે નજીકમા છે આ દરમિયાન ગુજરાતમા પાર્ટીઓ કરવા દારૂની હેરફેર પણ વધી રહી હોવાનુ ધ્યાને આવ્યુ છે. ત્યારે થર્ટી ફર્સ્ટમા દારૂ તેમજ નાર્કોટીકસ પદાર્થોની હેરાફેરી તેમજ તેનુ વેચાણ અટકાવવા માટે ગુજરાત પોલીસે ખાસ રોડ મેપ તૈયાર કર્યો છે. થર્ટી ફર્સ્ટ અન્વયે સમગ્ર જીલ્લામા પ્રોહીબીશન ડ્રાઇવ યોજવામા આવી રહી છે. તેમજ આ ડ્રાઇવ યોજી દારૂનુ વેચાણ કરતા તેમજ દારૂના નાશમા છાકટા બનીને ફરતા શખ્સોને પકડી પાડવા અસર કારક કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રાજયમા દારૂ ઘુસાડવા માટેની સરહદોનો વધુ ઉપયોગ કરવામા આવતો હોય જેથી પોલીસ દ્વારા રાજસ્થાન બોર્ડર, પંજાબ બોર્ડર, ઉતરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર પર તમામ વાહનોનુ ખાસ ચેકીંગ કરવામા આવી રહયુ છે જે અન્વયે ગુજરાતમા દારૂની રેલમછેલમ રોકી શકાય.
નંબર પ્લેટો સાથે ચેડાં કરનારા પણ દંડાયા
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખી ટ્રાફીક ડીસીપી પુજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી જયવિર ગઢવી તેમજ ચારેય સેકટરના પીઆઇ તેમજ સ્ટાફ દ્વારા અલગ અલગ સ્થળો પર વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવામા આવી હતી અને ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વગરના, આંખોને અંજાઇ જતી લાઇટોવાળા વાહન ચાલકો સહિતના 245 વાહન ચાલકો પોલીસની ઝપટે ચડી ગયા હતા અને તેઓ પાસેથી 1.06 લાખનો દંડ વસુલ્યો હતો.