દિવાળી ટાણે જ સસ્તા અનાજની મોકાણ, રાજ્યભરમાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન
સસ્તા અનાજ લેવા આવતા લોકોને ધરમ ધક્કા, ઠેક-ઠેકાણે લાંબી લાઇનો લાગી
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજ લેવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છેલ્લા બે દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ છે કે, છેલ્લા બે દિવસથી રાજ્યભરના પુરવઠા વિભાગનું સર્વર ડાઉન છે.
સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફતે ગ્રાહકોને વધારાનું અનાજ પણ આપવામાં આવતું હોય છે, જેના કારણે દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. જોકે, આ જ સમયે સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ સહિત રાજ્યભરના મોટાભાગના લોકો વહેલી સવારથી સસ્તા અનાજની દુકાન ખાતે અનાજ લેવા માટે પહોંચે છે. પરંતુ ત્યાં સર્વર ડાઉન હોવાની જાણ થતાં લોકો કલાકો સુધી રાહ જોઈને નિરાશ થઈને પરત ફરવા મજબૂર બન્યા છે.મોટાભાગના ગ્રાહકો પોતાના દૈનિક ધંધા-રોજગાર બંધ રાખીને આ અનાજ લેવા માટે આવતા હોય છે. એક તરફ દિવાળીનો તહેવાર માથે છે અને બીજી બાજુ બે દિવસથી સર્વર ઠપ્પ હોવાથી લોકોમાં ભારે નિરાશા વ્યાપી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સર્વરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.