સસ્તા અનાજના વેપારીઓની હડતાળ યથાવત
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનના માલિકો (FPS ) દ્વારા શનિવારથી શરૂૂ કરાયેલી અચોક્કસ મુદતની હડતાળને લઈને રાજ્ય સરકાર અને એસોસિએશન આમને-સામને આવી ગયા છે.
ગુજરાત સરકારે રવિવારે એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે સુરત, આણંદ, વડોદરા અને રાજકોટ સહિતના કેટલાક જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાન માલિકોએ લાભાર્થીઓને અનાજ વિતરણ માટે ચલણ બનાવવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. સરકારે જણાવ્યું કે, તેમની 20 માંગણીઓમાંથી 11 માંગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવવા માટે જિલ્લા સત્તાવાળાઓને લેખિત સૂચનાઓ આપવામાં આવી છે, અને સોમવારથી ઘઉં અને ચોખાનું વિતરણ નિયમિતપણે શરૂૂ થશે. જોકે, ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સરકારના આ દાવાને સત્યથી વેગળો ગણાવીને ફગાવી દીધો છે.
પ્રહલાદ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે અમારી હડતાળ યથાવત છે તેમણે ખુલાસો કર્યો કે રવિવારે તેમણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર સાથે બેઠક કરી હતી, પરંતુ તેઓ અધવચ્ચેથી જ બેઠક છોડીને નીકળી ગયા હતા. મોદીએ સરકારના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો કામ શરૂૂ થઈ ગયું હોય તો વિવિધ જિલ્લાના કલેક્ટર અને સપ્લાય અધિકારીઓ રવિવારે શા માટે દુકાન માલિકો સાથે બેઠકો યોજી રહ્યા હતા?
સસ્તા અનાજની દુકાન માલિકોની મુખ્ય માંગણીઓમાં તેમની માસિક ગેરંટી કમિશનની રકમને વર્તમાન રૂ. 20,000 થી વધારીને રૂ. 30,000 કરવાની માંગનો સમાવેશ થાય છે. આ હડતાળના કારણે રાજ્યના ગરીબ અને જરૂૂરિયાતમંદ લાભાર્થીઓને નિયમિત અનાજ વિતરણ ખોરવાઈ જવાની ભીતિ છે.
