વડોદરામાં સીએનજી સપ્લાય કરતી ગાડીમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરી
ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી વાલ્વ બંધ કરી દેતા દુર્ઘટના સહેજમાં અટકી
ગુજરાતમાં આજે મોટો કાંડ સર્જાતા સર્જાતા રહી ગયો છે. હવે વાહન ચલાવતી વખતે વધુ તકેદારી રાખવી પડશે તેવી ઘટના વડોદરામાં બની હતી. શહેરમાં આજે સવારે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. વાહન ચાલકે સમયસૂચકતા વાપરી ગાડીને રોકી દીધી હતી અને ફાયર બિગ્રેડને જાણ કરી હતી તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાય માટે રસ્તો બંધ કરી દેવાયો હતો. શહેરમાં મોટા મોટા ખાડાઓ પડી જતા પાઈપલાઈન ફાટી ગઈ હતી, પરિણામે ગેસ લીકેજ થયો હતો તેમ જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સવારે 7:30 વાગ્યે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે સીએનજી ગાડીની પાઈપ ફાટી જતાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ડ્રાઈવરે ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને તુરંત જ ગાડી અટકાવી દીધી હતી. વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોતી. માહિતી મુજબ, સીએનજીની ગાડી ઇલોરા પાર્ક ખાતે આવેલા વડોદરા ગેસ સ્ટેશનથી ગેસ ભરીને અન્ય ગેસ સ્ટેશન પર ગેસ પહોંચાડવા માટે જઈ રહી હતી. દરમિયાન ગાડીમાં ગેસ લીકેજ થતા ગાડીને પરત વડોદરા ગેસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી હતી.