ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવો
ચલાલા નગરપાલિકામાં જનતાએ વિપક્ષના સુપડા સાફ કરી તમામ 24 બેઠક ભાજપને જીતાડી હતી. પરંતુ ભાજપનો આંતરીક વિખવાદ ખુલ્લીને સામે આવી રહ્યો છે. આજે 24માંથી 20 પાલિકા સદસ્યોએ પ્રમુખ અને ઉપ પ્રમુખ સામે અવિશ્વાની દરખાસ્ત ધરી દીધી હતી. પ્રમુખની વરણી સામે જ અગાઉ બહુમત સભ્યો નારાજ હતા જે નારાજગી હવે સપાટી પર આવી છે.ચલાલાનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને પાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા અને ઉપ પ્રમુખ પ્રવિણભાઈ બાવચંદભાઈ માલવીયા સામે ભષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.ચલાલા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય મુક્તાબેન કૌશિકભાઈ પરમારે આ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. જેમાં 24 પૈકી 20 સદસ્યોએ સહિ કરી હતી.
ગત તારીખ 5 માર્ચના રોજ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારથી જ બહુમત સભ્યો નારાજ હતા. વર્તમાન પ્રમુખે 26-3ના રોજ પહેલી બેઠક બોલાવી હતી.જેમાં માત્ર બજેટનો મુદ્દો લેવાયો હતો. ત્યારબાદ આજદીન સુધી ક્યારેય નગરપાલિકાની સમાન્ય સભા બોલાવાઈ નથી. જેના પગલે 17 કરોડની ગ્રાન્ટ પડી હોવા છતાં શહેરના વિકાસ કાર્યોનું કોઈ આયોજન થઈ શક્યુ નથી.
પ્રમુખ દ્વારા મોટાભાગના સભ્યોની અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અવિશ્વાસની દરખાસ્ત મુકી આ માટે 15 દિવસમાં બોર્ડ બોલાવવાની માંગણી કરાઈ છે અને જો પ્રમુખ 15 દિવસમાં જનરલ બોર્ડ ન બોલાવે તો ઉચ્ચ અધિકારી દ્વારા બોર્ડ બોલાવાય તેવી માંગ કરાઈ છે.
બહુમત સભ્યોએ જે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી તેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ સામે ભષ્ટાચાર, વહિવટી અજ્ઞાન, સંકલનનો અભાવ, અસભ્ય વાણી વર્તન, અવિશ્વાસ, સભ્યોની સતત અવગણના, વારંવાર જૂઠું બોલવાની ટેવ જેવા કારણો રજુ કરવામાં આવ્યા હતા.પાલિકામાં તમામ 24 સીટ ભાજપને મળી હતી અને જે તે સમયે પ્રમુખ, ઉપ પ્રમુખની લોકશાહી ઢબે વરણી કરવાના બદલે ભાજપ મવડીઓએ બંનેના નામ ઉપરથી થોપી બેસાડયા હતા. જેના કારણે વધુ નારાજગી હતી.
