ડે.મેયર અને હોટેલ સંચાલકના જૂથો વચ્ચે ધિંગાણું-તોડફોડ
રાજકોટમાં જામનગર રોડ ઉપર મધરાત્રે બઘડાટી બાદ ઘરમેળે સમાધાન
જમવાના પૈસા લેવાની તકરાર મારામારી અને તોડફોડ સુધી પહોંચી, પોલીસનું ‘નરો વા-કુંજરો વા’ જેવું વલણ
ડે.મેયર ટીકુભા જાડેજા અને તેના ભાઈ સહિત ત્રણને સામાન્ય ઈજા
રાજકોટના જામનગર રોડ પર આવેલી સન્નીપાજી દા ધાબા નામની હોટલે મોડીરાત્રે જમવાના પૈસા લેવા બાબતે થયેલી રાજકોટના ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા તથા ધાબા સંચાલકના જૂથો વચ્ચે મારામારી અને સટાસટી બોલી જતાં ધાબામાં તોડફોડની ઘટના પણ બની છે. મોડીરાત્રે સર્જાયેલી આ બઘડાટી બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પડ્યો હતો. જો કે, સવાર પડતા બન્ને જૂથે પોતપોતાની રીતે ખાનગીમાં સારવાર લઈ સમાધાન કરી લેતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું છે.પોલીસે પણ આ ઘટનામાં ‘નરોવા-કુંજરોવા’ જેવુ વલણ અપનાવી ઘટના પર પદડો પાડવા પ્રયાસો કર્યા હતાં. જ્યારે શહેર ભાજપ પ્રમુખે પણ આ ઘટના સામાન્ય હોવાનું જણાવી બનાવ બન્યાની હકીકતને આડકતરુ સમર્થન આપ્યું છે.
સન્નીપાજી દા ધાબામાં પૈસા લેવાના મામલે તકરાર બાદ માથાકુટ થઈ હતી જેમાં ડે. મેયર અને તેમના ભાઈ મધ્યસ્થિ કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ ઝઘડો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ મોડીરાત્રે ઉગ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે, આ મામલે બન્ને પક્ષોએ ફરિયાદ કરવાનું ટાળ્યુ હતુ અને વાત સમાધાન સુધી પહોંચી છે ડે.મેયર અને તેમના ભાઈ હાલ પ્રસંગમાં અમદાવાદ હોવાનું જણાવ્યું હતું અને આ ઝઘડા બાબતે ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા તેમણે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી છે. જ્યારે આ મામલે સન્નીપાજીએ પણ સામેવાળા પોતાના મિત્ર હોય કોઈ ફરિયાદ કરવી નથી તેમ જણાવ્યું હતું.
આ માથાકુટમાં તોડફોડ થઈ હોય અને હાલ તકેદારીના ભાગરૂપે સન્નીપાજીની હોટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્ર્વર પાસે આવેલ સન્નીપાજી દા ધાબા નામની હોટલે સન્ની પાજી અને ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) એન તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર હુમલો થયાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતાં. શહેરભરમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે ત્યારે મોડી રાત્રે ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલરૂમમાં સન્નીપાજી તરફથી ફોન આવ્યો હોય જેથી ગાંધીગ્રામ પોલીસે સન્નીપાજી ઉર્ફે અમનવીરસીંગને નિવેદન માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો છે. સન્નીપાજીએ નિવેદનમાં જણાવ્યું કે, હોટલે ત્રણ વ્યક્તિ જમવા આવ્યા હતા તેનું બીલ લેવામાં આવ્યું હોય વિજય ગઢવી નામના વ્યક્તિએ ફોન કરીને આ ત્રણ વ્યક્તિનું બીલ નહીં લેવા જણાવ્યું હતું. જો કે, જમવા આવેલા ત્રણેય બીલ દઈને નિકળી ગયા હોય જે બાબતે વિજય ગઢવીને વાત કરી હતી. ત્યાર બાદ મને નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાનો ફોન આવ્યો હતો અને નરેન્દ્રસિંહ તથા રવિરાજસિંહ, હરદિપસિંહ, વિશ્ર્વરાજસિંહ ઉર્ફે કાનો અને વિજય ગઢવી સહિતના શખ્સો ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરતા વાત વણસી હતી અને પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસની ગાડી આવી હતી અને ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. સામેવાળા મારા મિત્ર હોય અમારે કોઈ ફરિયાદ કરવી નથી.
બીજી તરફ આ મામલે ડે. મેયરે નરેન્દ્રસિંહ જાડેજાના ભાઈ રવિરાજસિંહ જાડેજાના ભાઈ જણાવ્યું કે, આ પ્રકારની કોઈઘટનાબની નથી. અમારે કોઈફરિયાદ નોંધાવી નથી. બન્ને ભાઈઓ હાલ અમદાવાદ પ્રસંગમાં હોય અને આ બાબતે અમે સોશિયલ મીડિયા મારફતે ઓફિશિયલ રદિયો પણ આપ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવા ઉપર ધ્યાન નહીં આપવા જણાવવામાં આવ્યું છે. ડે. મેયર અને તેમના ભાઈ અમદાવાદ પ્રસંગમાં છે.
આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કરપડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, બન્ને પક્ષમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. સન્નીપાજી હાલ મને મળવા માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને આવ્યો છે અને ત્યાં બેઠો છે આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો કે, આ મામલે પોલીસ ક્ધટ્રોલરૂમમાં નોંધ થઈ હોય અને રાત્રે 12:25 કલાકે પીસીઆર નં. 17ના ઈન્ચાર્જ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ અમનવિરસીંગ અને સન્નીપાજી તેજેન્દ્રસીંગને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.