રીસોર્ટમાં યુવતીની છેડતી બાદ ધબાધબી
- કાલાવડ રોડ ઉપર રિસોર્ટમાં રંગોત્સવ દરમિયાન બનેલી ઘટના
રાજકોટ શહેર તથા આસપાસના ફાર્મ હાઉસ- રિસોર્ટ અને કેટલાક પાર્ટી પ્લોટોમાં ધુળેટીની ઉજવણીના રંગારંગ કાર્યક્રમોના આયોજન થયા હતા. જેમાં અમુક સ્થળોએ છેલબટાઉ યુવાનોએ રંગ ઉડાડવાના બહાને યુવતીઓની છેડતી કરી લીધાની પણ કેટલીક ઘટનાઓ બની હતી. જો કે આ પૈકી એક પણ ઘટનામાં પોલીસ ફરીયાદ નોંધાઇ નથી પરંતુ છેડતીના કારણે થયેલી ધમાલના વીડીયો વાયરલ થતા પોલીસ એકશનમાં આવી ગઇ છે.
શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા એક રિસોર્ટમાં ધુળેટીની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન યુવતીની છેડતીની ઘટના બનતા બે જુથ વચ્ચે છુટાહાથની મારામારી થઇ હતી અને અન્ય લોકો તથા આયોજકોએ વચ્ચે પડી બન્ને જુથોને છુટા પાડયા હતા.
જો કે આ ઘટનામાં કોઇ પોલીસ ફરીયાદ નોંધાયેલ નથી. પરંતુ મારામારીનો આ વીડીયો સતત વાયરલ થઇ રહ્યો છે ત્યારે આવા કોઇ આયોજન અંગે પોલીસ પાસે મંજુરી લેવામાં આવી હતી કે કેમ? અને મંજુરી લેવામાં આવેલ ન હોય તો આયોજકો દ્વારા છેડતીની ઘટનાઓ અટકાવવા કોઇ પ્રાઇવેટ સિકયુરીટીની વ્યવસ્થા કરવામાન આવી હતી કે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. મંજુરી વગર આવા કાર્યક્રમો ગોઠવનાર આયોજકો સામે પોલીસ પણ પગલા ભરે તેવી માંગણી ઉઠવા પામી છે.