નર્સિંગના વિદ્યાર્થીનું ATM કાર્ડ બદલી ગઠિયાએ રૂા.1.44 લાખ ઉપાડી લીધા
શહેરના જવાહર રોડ પર આવેલા એસબીઆઈના એટીએમમાં પોપટપરાના પ્રૌઢની નજર ચુકવી ગઠીયો એટીએમ કાર્ડ બદલી કળા કરી ગયાની ફરિયાદ બે દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાઈ હતી. ત્યારે આજે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં માંડાડુંગરમાં રહેતા નર્સિગનો વિદ્યાર્થી તેના મામાની દીકરીનું એટીએમ કાર્ડ લઈ જવાહર રોડ પર એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો. ત્યારે અજાણ્યા શખ્સે નજર ચુકવી તેનું એટીએમ કાર્ડ બદલી લઈ રૂા.1.44 લાખ ઉપાડી લઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર પાસે તીરુમાલા પાર્કમાં રહેતા અને નર્સિગનો અભ્યાસ કરતાં જય નારાણ કટારા (ઉ.19)એ એ-ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.28ના રોજ તેના મામાની દીકરી તેમના ઘરે આવેલ હોય અને તેમને પૈસાની જરૂરીયાત હોવાથી મામાની દીકરીએ એટીએમ કાર્ડ અને પાસવર્ડ આપી પૈસા ઉપાડવાનું કહેતા તે તા.29-1ના બપોરના સમયે જવાહર રોડ પર આવેલી એસબીઆઈ એટીએમમાં ગયો હતો. જ્યાંથી તેણે રૂા.પાંચ હજાર ઉપાડેલા હતાં. આ દરમિયાન બાજુમાં ઉભેલા શખ્સે રિશીપ્ટ લઈ જવાના બહારને નજર ચુકવી તેનું એટીએમ કાર્ડ બદલી લઈ લીધું હતું. બાદમાં બીજા દિવસે તેના મામાની દીકરીના ખાતામાંથી રૂા.1,43,900 ઉપડી ગયા હતાં. જેથી આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્ક્ષા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.