શાપર-વેરાવળના પાંચ કારખાનામાં ચડ્ડી-બનિયાન ગેંગ ત્રાટકી: રૂા.1.80 લાખની ચોરી
યુનિવર્સિટી રોડ પર કર્મચારી સોસાયટીમાં રહેતાં અને શાપરમાં ઉર્જા ઈન્ડ. પાર્કમાં આશી એન્જીનીરીયંગ વર્કસ નામે કારખાનું ધરાવતાં સજી પરવારકાથ મેથ્યુ (ઉ.વ.54)ના કારખાનામાંથી તસ્કરો રૂા.1.80 લાખની રોકડ ચોરી ગયાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.તેમજ અન્ય ચારેક કારખાનામાં પણ ચોરી થયાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ,સજી મેથ્યુ ગઈકાલે તે પુત્ર સાથે કારખાને ગયા હતા જયાંથી તે વહેલા ઘરે આવી ગયા હતા પુત્ર એલન પણ રાત્રે ઘરે જતો રહ્યો હતો. સવારે તેને તેના કારખાનામાં કામ કરતાં પિયુષ સવેરાએ કોલ કરી કારખાનામાં રાત્રે ચોરી થઈ છે તેમ જણાવતાં તે પુત્ર સાથે કારખાને ગયા હતા. જયાં જઈને જોતા કારખાનાની ઓફિસનાં મેઈન ડોરનો લોક તુટેલો હતો અને સામાન વેરવિખેર હતો.
લોકર પણ તૂટેલું હોય તેમાં રાખેલ રૂા.1.80 લાખ જોવામાં નહી આવતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આવી જ રીતે આજુ બાજુના સ્ટીલટેક ઈન્ડસ્ટ્રીઝ,જય કેમ., ગોકુલ ફ્રિઝ અને દુધેશ્વર એન્જીનીયરીંગ નામના કારખાનામાં પણ ચોરી થયાનું જાણવા મળતા ફરીયાદ નોંધાવતા શાપર પીએસઆઈ જી.બી.જાડેજાએ તેની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેઝ સામે આવતા તેમાં ચાર શખ્સો બુકાની બાંધી,ચાદર ઓઢી અને ચડ્ડી પહેરી જોવા મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચડ્ડી બનીયાન ગેંગ હોવાનું સામે આવી રહ્યુ છે. તેમનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો ન હોય પોલીસ માટે આ ડિટેકશન પડકારરૂૂપ જોવાનું જાણવા મળી રહ્યું છે.